calendar_todaySeptember 15, 2026
Vyara : ગોરાસાના ખેડૂતોની જમીન પર બોગસ દસ્તાવેજથી રૂ. 11 લાખની લોન લેવાઈ
કુકરમુંડા તાલુકાના ગોરાસા ગામના ખેડૂતોની જમીનના બોગસ દસ્તાવેજો, ખોટા એકરારનામા તથા બોગસ અંગૂઠાના નિશાનનો ઉપયોગ કરી મંડળીઓના નામે લાખો રૂપિયાની લોન ઉપાડી લેવામાં આવી રહ્યાની ખેડૂતોએ વ્યારા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આજરોજ લેખિત રજૂઆત કરી હતી, અંદાજિત રૂ. 11 લાખથી વધુની લોન ત્રણ ખેડૂતોના નામે લેવાઇ હોવાના આક્ષેપ કરી કસૂરવારો સામે પગલાં લેવાની માંગણી કરી છે.
નિઝર-કુકરમુંડા તાલુકામાં ઉકાઇ જળાશયના બાંધકામ દરમિયાન જમીન સંપાદિત થતાં ગોરાસા ગામના કેટલાક ખેડૂતોને નિઝર તાલુકાના સાયલા ગામે વૈકલ્પિક જમીનની ફાળવણી કરવામાં આવી હતી. આ જમીનો ખેડૂતોના હક્ક અને કબજામાં હોવાનું જણાવાયું છે, ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જાણ કે સંમતિ વિના તેમની જમીનને લગતા દસ્તાવેજોનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યો અને ખોટા દસ્તાવેજોના આધારે કેટલીક મંડળીઓના નામે ધિરાણ મેળવવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષકને કરેલી લેખિત રજૂઆતમાં ગોરાસા ગામના રહીશ પાડવી જયંતિલાલ રૂપાભાઇની સાયલા ખાતે આવેલી જમીનના આધારે ધી નૂતન નવલપુર જૂથ સેવા સહકારી મંડળીના નામે રૂ.2.50 લાખની લોન લેવામાં આવી હોવાનું જણાવાયું છે. ખેડૂતની જાણ બહાર તેમની જમીનને લોન માટે ઉપયોગમાં લેવામાં આવ્યાના આક્ષેપ થયા છે. પિતા રૂપાભાઇનું મૃત્યુ થયું છે, તેમને હયાત બતાવી તેના નામે ખોટા અંગૂઠાના નિશાન કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. અન્ય એક ખેડૂત સુદામભાઇ ભાદયાભાઇ પાડવીના નામે તા. 8 ઓગસ્ટ, 2012ના રોજ ખોટું એકરારનામું તૈયાર કરી દસ્તાવેજમાં ખોટા અંગૂઠાના નિશાનનો ઉપયોગ કરી તેમની જમીન ઉપર ધી વડલી દૂધ ઉત્પાદક સંઘ મંડળી લિ.ના નામે રૂ. 4 લાખની લોન ઉપાડી લેવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. આ ઉપરાંત સુપાભાઇ છિપટયાભાઇ પાડવીની સાયલા ગામ ખાતે આવેલી જમીન પર પણ વડલી દૂધ ઉ. સહકારી મંડળીના નામે રૂ. 5 લાખની લોન બારોબાર ઉપાડી લેવામાં આવ્યાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. અલગ-અલગ ખેડૂતોની જમીનનો આધાર લઇને લાખો રૂપિયાનું ધિરાણ મેળવવામાં આવ્યું હોય, ખેડૂતોની જાણ બહાર લોન અંગેની પ્રોસિજર કરી જમીન ઉપર લોન લેવાના પ્રકરણમાં સંડોવાયેલ શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ખેડૂતોએ જ્યારે જમીનની નકલ કઢાવવાની કાર્યવાહી કરી ત્યારે જેઓની જમીન ઉપર પડેલા બોજાની જાણ થઇ હોવાની વ્યથા ઠાલવી છે. લોન પ્રકરણમાં સંડોવાયેલ શખ્સોને પૂછપરછ કરાતા જેઓ દ્વારા દાદાગીરી સાથે ધમકી અપાતી હોવાનું પોલીસ મથકે ખેડૂતોએ જણાવ્યું હતું. ત્યારે સમગ્ર લોન પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ હાથ ધરી ગરીબ અભણ એવા ખેડૂતોની જમીન ઉપર થઇ રહેલા બોગસ દસ્તાવેજોના આધારે લોન લેવાની પ્રક્રિયાની સઘન ચકાસણી થાય તે જરૂરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો