android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
West Bengal Phase: બંગાળમાં 'કરો યા મરો'ની સ્થિતિ વચ્ચે સમજો 152 બેઠકોનું ગણિત અને સત્તાનો જંગ!

calendar_todayApril 23, 2026

West Bengal Phase: બંગાળમાં 'કરો યા મરો'ની સ્થિતિ વચ્ચે સમજો 152 બેઠકોનું ગણિત અને સત્તાનો જંગ!

આ તબક્કામાં કુલ 152 બેઠકો પર મતદાન થવાનું છે, જે રાજ્યની કુલ બેઠકોના અડધાથી પણ વધુ હિસ્સો ધરાવે છે. ભાજપ માટે આ તબક્કો એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે 2021ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે અહીં 59 બેઠકો મેળવીને મજબૂત પકડ બનાવી હતી.

ભાજપના ગ્રાફમાં નોંધપાત્ર ઉછાળો

ચૂંટણીના આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો, છેલ્લા દાયકામાં આ બેઠકો પર ભાજપના ગ્રાફમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. 2011માં શૂન્ય બેઠકો ધરાવતો ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં 86 બેઠકો પર લીડ મેળવવામાં સફળ રહ્યો હતો. જોકે, 2021માં TMC એ વળતો પ્રહાર કરીને 152 માંથી 92 બેઠકો પર વિજય મેળવી પોતાની લોકપ્રિયતા સાબિત કરી હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં પણ આ બંને પક્ષો વચ્ચે રસાકસી જોવા મળી હતી, જ્યાં TMC 76 અને ભાજપ 64 બેઠકો પર સરસાઈ ધરાવતું હતું. આ જ કારણ છે કે બંને પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત આ પ્રથમ તબક્કા પર કેન્દ્રિત કરી છે.

TMCનું વર્ચસ્વ ભારે પડશે

આ તબક્કામાં મુર્શિદાબાદ, માલદા અને ઉત્તર દિનાજપુર જેવા જિલ્લાઓ કેન્દ્રસ્થાને છે, જ્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા 50 થી 66 ટકા જેટલી છે. આ 43 બેઠકો પર પરંપરાગત રીતે TMC નું વર્ચસ્વ રહ્યું છે અને ગત વખતે તેમણે ૩૫ બેઠકો જીતી હતી. આ વખતે ભાજપ હિન્દુ મતોના ધ્રુવીકરણ દ્વારા આ ગઢમાં ગાબડું પાડવાની રણનીતિ અપનાવી રહ્યો છે. બીજી તરફ, TMC પોતાના 'સેક્યુલર' વોટ બેંકને બચાવવા માટે પૂરો જોર લગાવી રહી છે. આ ધાર્મિક અને સામાજિક સમીકરણો જ આ તબક્કાના પરિણામોને આખરી ઓપ આપશે.

સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક

પશ્ચિમ બંગાળનો ચૂંટણી હિંસાનો લોહિયાળ ઇતિહાસ જોતા આ વખતે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવવામાં આવી છે. પાછલી ચૂંટણીઓમાં થયેલા સેંકડો મૃત્યુ અને હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે દારૂબંધી, બાઇક રેલીઓ પર પ્રતિબંધ અને કેન્દ્રીય દળોની ભારે તૈનાતી જેવા કડક પગલાં લીધા છે. પ્રચારના અંતિમ દિવસોમાં પણ અનેક સ્થળોએ ભાજપ અને TMC કાર્યકરો વચ્ચે અથડામણો થઈ છે. આ તંગદિલી વચ્ચે મતદારો નિર્ભય થઈને બહાર આવે તે ચૂંટણી પંચ અને લોકશાહી બંને માટે મોટો પડકાર છે.

આ પણ વાંચો: PM Modi in West Bengal: ઝાલમુરી મે ખાધી, પણ મરચા TMCને લાગ્યા, પશ્ચિમ બંગાળમાં બોલ્યા પીએમ મોદી