calendar_todayApril 18, 2026
Women Reservation Bill: દેશની મહિલાઓના અધિકારો છીનવવાનો કોંગ્રેસે જશ્ન મનાવ્યો': સ્મૃતિ ઈરાનીનો પ્રિયંકા ગાંધી પર વળતો પ્રહાર
મહિલા અનામત સાથે જોડાયેલા બંધારણીય સુધારા બિલ લોકસભામાં પસાર ન થઈ શકતા દેશનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ બિલ પડતું મુકાવાને 'બંધારણ અને વિપક્ષી એકતાની જીત' ગણાવી હતી. પ્રિયંકા ગાંધીના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વલણ અપનાવી વળતો પ્રહાર કર્યો છે.
સ્મૃતિ ઈરાનીનો કટાક્ષ: "મહિલા વિરોધી છે કોંગ્રેસનો ચહેરો"
પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભાજપ વતી મોરચો સંભાળતા કહ્યું કે, કોંગ્રેસે આજે એ વાતનો જશ્ન મનાવ્યો છે કે, દેશની મહિલાઓના અધિકારો કેવી રીતે છીનવી શકાય. તેમણે ઉમેર્યું કે, જ્યારે કોંગ્રેસની સરકાર હતી, ત્યારે ટ્રિપલ તલાક જેવી પ્રથાઓ મહિલાઓ માટે અભિશાપ હતી. કોંગ્રેસની માનસિકતા હંમેશા મહિલાઓની પ્રગતિને રોકવાની રહી છે.
રવિશંકર પ્રસાદે ઉઠાવ્યા સવાલ: "મહિલાઓ કોઈ વસ્તુ નથી"
પૂર્વ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પ્રિયંકા ગાંધીના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પ્રિયંકા ગાંધીની ભાષા ખોટી હતી. મહિલાઓ કોઈ વસ્તુ નથી કે, જેનો ઉપયોગ કરી શકાય. તેમણે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે મહિલાઓની આકાંક્ષાઓને કચડી નાખી છે, અને તેમનો ક્રૂર ચહેરો દેશ સામે આવી ગયો છે. ભાજપ આ મુદ્દાને લઈને ગામડે-ગામડે જશે અને કોંગ્રેસના મહિલા વિરોધી વલણને ખુલ્લું પાડશે.
કિરેન રિજિજૂએ કોંગ્રેસ પર લગાવ્યો 'મહિલા વિરોધી' હોવાનો સિક્કો
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, વિપક્ષે મહિલાઓને તેમનો અધિકાર મળવા દીધો નથી. જો રાહુલ ગાંધી મહિલા અનામતને અલોકતાંત્રિક ગણાવતા હોય, તો તેમને સમજાવવા મુશ્કેલ છે. હવે કોંગ્રેસ પર 'મહિલા વિરોધી પાર્ટી' હોવાનો સિક્કો કાયમ માટે વાગી ગયો છે.
આ પણ વાંચો - Women Reservation Bill 2026: મહિલા અનામત બિલનો પરાજય, ભાજપનું ગણિત કયાં ખોટું પડયું