Gujaratમાં પાઠ્યપુસ્તકોની અછત: 30 જૂન સુધીમાં તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવાની તંત્રએ આપી ખાતરી
ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ વિદ્યાર્થીઓ માટે પુસ્તકોની અછતનો એક મોટો મુદ્દો સામે આવ્યો છે. આ ગંભીર બાબતે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના કાર્યકારી પ્રમુખે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જાહેરમાં સ્વીકાર્યું છે કે રાજ્યની અનેક સરકારી શાળાઓમાં હજુ સુધી ધોરણ 10 અને 12ના પાઠ્યપુસ્તકો પહોંચાડી શકાયા નથી. આ વર્ષે વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની વિષમ પરિસ્થિતિના કારણે કાગળ અને અન્ય સામગ્રીની આયાતમાં અવરોધ આવતા પુસ્તકોની આવી અભૂતપૂર્વ અછત સર્જાઈ છે.યુદ્ધના ધોરણે બે શિફ્ટમાં પ્રિન્ટિંગ કામગીરી શરૂ શાળાઓ ખૂલી ગઈ હોવા છતાં પુસ્તકો ન મળતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે તંત્ર હવે સફાળું જાગ્યું છે. પાઠ્યપુસ્તક મંડળના જણાવ્યા અનુસાર, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના બાળકો માટે પુસ્તકો તૈયાર કરવાનું કામ હાલમાં ખૂબ જ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કામગીરીને વહેલી તકે પૂરી કરવા માટે દેશભરની અંદાજે 57 જેટલી સરકારી પ્રેસોને કામે લગાડવામાં આવી છે, જ્યાં કર્મચારીઓ દ્વારા દિવસ-રાત સતત બે શિફ્ટમાં પુસ્તકોનું પ્રિન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. 30 જૂન સુધીમાં પુસ્તકો આપવાનો દાવો પુસ્તકોની અછતનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વહીવટી તંત્ર તરફથી રાહતના સમાચાર પણ આપવામાં આવ્યા છે. પાઠ્યપુસ્તક મંડળના કાર્યકારી પ્રમુખે ખાતરી આપી છે કે આગામી 30 જૂન સુધીમાં રાજ્યની તમામ શાળાઓના પ્રત્યેક બાળક સુધી પાઠ્યપુસ્તકો સહી-સલામત પહોંચાડી દેવામાં આવશે. તંત્ર દ્વારા લેવામાં આવેલા આ ઝડપી પગલાં અને આયોજનથી આગામી દિવસોમાં શાળાઓમાં પુસ્તકોની તંગીનો પ્રશ્ન સંપૂર્ણપણે હલ થઈ જશે તેવી આશા રાખવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward