calendar_today
March 24, 2026
Gandhinagar : જેટલી સરળતાથી લોકોનું કામ થશે, એટલો જ તંત્ર અને સરકારને વધુ સંતોષ મળશે : CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે રાજ્યના વહીવટી તંત્રને વધુ આધુનિક અને નાગરિક-કેન્દ્રી બનાવવાના ઉદ્દેશ્ય સાથે 'સુગમ ડિજિટલ ગુજરાત' પહેલનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા અને ગુજરાતના નાગરિકોને સરકારી સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવા માટે આ એક ક્રાંતિકારી કદમ છે.પાયાની સેવાઓ 'ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ' બનશે.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ GARC (Gujarat Administrative Reforms Commission)ના પાંચમા અહેવાલની ભલામણોને આધારે, રાજ્યના 5 મુખ્ય વિભાગોની 20 હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓનું ઓનલાઈન સરલીકરણ જાહેર કર્યું હતું. આ પહેલ દ્વારા હવે આવક-જ્ઞાતિના દાખલા, રેશનકાર્ડ અને સોગંદનામા જેવી પાયાની સેવાઓ 'ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ' બનશે.
'લાઇન'માંથી 'ઓનલાઇન'
મુખ્યમંત્રીએ 'સુગમ ડિજિટલ ગુજરાત' અનાવરણ કાર્યક્રમ અંતર્ગત જણાવ્યું હતું કે,આપણે ઘણા બધા કાર્યક્રમો કરતા હોઈએ છીએ, અને કાર્યક્રમ એક એવું માધ્યમ છે, જેના દ્વારા સરકાર જે કાર્યો કરે છે તે લોકો સુધી પહોંચે છે. એટલું જ નહીં, પણ જે કાર્ય કર્યું છે એમાં કોઈ રહી ન જાય અને પ્રેસના માધ્યમથી તે માહિતી ઘરે-ઘરે પહોંચે તો, જે નાગરિકો સરકારી યોજનાઓને પાત્ર હોય, તેઓ તેનો પૂરો લાભ લઈ શકે એવો સરકારનો હંમેશા પ્રયત્ન હોય છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2002માં 'સ્વાગત ઓનલાઇન' શરૂ કરીને ટેકનોલોજીના ઉપયોગને હંમેશા પ્રાથમિકતા આપી છે. એ જ પ્રાથમિકતાના આધારે આજે આપણે ખૂબ સારું પરિણામ મેળવી રહ્યા છીએ અને 20 જેટલી નવી સેવાઓ 'લાઇન'માંથી 'ઓનલાઇન' કરવા જઈ રહ્યા છીએ.
પ્રજાજનોના કામ સરળ થાય
તમામ લોકોને ઘરે બેઠા સુવિધા મળે તે માટે ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ સેવાઓ પૂરી પાડવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. આ ડિજિટલ પ્રક્રિયામાં જો નાગરિકોને ક્યાંય પણ મુશ્કેલી જણાય, તો તેના નિવારણને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે તે પણ તેમણે જણાવ્યું હતું. ગ્રામજનો સૌથી પહેલા કોઈના સંપર્કમાં આવતા હોય તો તે તલાટી અથવા VCE -વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, આ તમામ સેવાઓ ઓનલાઇન કેવી રીતે મળે છે, તેનો આપણે સૌ જેટલો પ્રચાર અને પ્રસાર કરીશું એટલો જ પ્રજાને અને તંત્રને ફાયદો થશે. તમે જે નોકરી કે સેવાનું કાર્ય કરો છો, તેનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ દિશામાં હોવો જોઈએ કે પ્રજાજનોના કામ સરળ થાય. આપણા મનમાં એ જ લક્ષ્ય હોવું જોઈએ કે જેટલી સરળતાથી લોકોનું કામ થાય એટલો આપણને સંતોષ મળે.જ્યારે પ્રજાના પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ તમામ સ્તરે સાથે મળીને એકજ દિશામાં કામ કરે છે, ત્યારે તેનું પરિણામ અદભૂત આવે છે. ગુજરાતમાં આપણે સૌએ જોયું છે કે, ગમે તેવી પરિસ્થિતિ હોય, જો આપણે સાથે મળીને કામ કર્યું છે તો તેના સચોટ પરિણામો મળ્યા છે.
આજે 20 સેવાઓ ઓનલાઇન કરી છે
વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે,જ્યારે વડાપ્રધાનએ ડિજિટલ પેમેન્ટની વાત કરી હતી, ત્યારે ઘણા બધા લોકોને એવું લાગતું હતું કે, આ કેવી રીતે શક્ય બનશે? પરંતુ આજે આખા દેશમાં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ સામાન્ય અને નાના માણસો કરી રહ્યા છે. આમાં પ્રજાનો પણ મોટો સહકાર મળ્યો છે. જ્યારે સરકાર સમસ્યાઓના સમાધાન માટે આગળ વધતી હોય, ત્યારે પ્રજાનો સાથ હંમેશા મળતો રહ્યો છે. આજે 20 સેવાઓ ઓનલાઇન કરી છે અને ભવિષ્યમાં પણ આ ક્ષેત્રે ધ્યાન આપી નાગરિકો માટે વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા સરકાર તત્પર હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
ડિજીટલ લોકરની પણ શરુઆત
તેમણે અનાવરણ થઈ રહેલ પહેલને કારણે ઊભી થનારી વ્યવસ્થામાં ડેટા ડિજિટલ હોવાને કારણે નાગરિકે દરેક નવી સેવા માટે ફરી-ફરીને એના એ જ પેપરો આપવા નહીં પડે તેની વિગત આપતા કહ્યું કે, આ માટે ડિજીટલ લોકરની પણ શરુઆત થઈ રહી છે. ટેકનોલોજીના આ ઉપયોગનો લાભ જન-જન સુધી પહોંચે તે માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે.
નાગરીક સેવાઓ વધુને વધુ સરળ બનાવી
વડાપ્રધાનનું જે વિઝન 'વિકસિત ભારત -2047'માટે વિકસિત ગુજરાત' ને સાકાર કરવા આપણે સૌએ ડિજિટલ ક્ષેત્રે મહત્તમ આગળ વધવું છે. યુ.પી.આઈનો સૌથી વધુ ઉપયોગ નાના ફેરીયા અને શાકવાળા જેવા ઓછું ભણેલા લોકો કરી રહ્યા છે.ડિઝીટલ સરળીકરણ થકી નાગરીક સેવાઓ વધુને વધુ સરળ બનાવી છે.
ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈ જ અછત નથી
વર્તમાનમાં સર્જાયેલી વૈશ્વિક પરિસ્થિતિ અંગે તેમણે જણાવ્યું હતું કે,આજે રાજ્યમાં ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈ જ અછત નથી, બધું જ પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે અને મળતું રહેશે. સરકાર 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ'ના કાર્ય મંત્ર સાથે સરકાર વિકસિત ગુજરાત માટે કામ કરી રહી છે. બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડશે નહીં.
સિંગલ વિન્ડો સિસ્ટમ
વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ડિજિટાઇઝેશન એ વર્તમાન ભારત, વર્તમાન ગુજરાત અને વર્તમાન નેતૃત્વની દેન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગરિકો અને સરકાર વચ્ચેનું અંતર કેમ ઘટે એવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતાં. નાગરિકોને જનહિતલક્ષી સુવિધાઓ સરળતાથી મળે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરુ કરવામાં આવી હતી. ગામડાની અંદર સીએચસી,પીએચસી સેન્ટરો અને શહેરી વિસ્તારોમાં જનસેવા કેન્દ્રો મારફત આ સેવાઓ ઝડપથી મળે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં હતાં. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશનના અહેવાલ મુજબ બધી જ નાગરિક કેન્દ્રિત સેવાઓ ડિજિટલ બનાવવાની શરૂઆત કરી છે.
આ પણ વાંચો---- Rajkot : પેટ્રોલ-ડીઝલની અછતની અફવા ફેલાવવી પડી ભારે, પેટ્રોલ ડીલર એસોસિએશનના પ્રમુખ વિરુદ્ધ ગુનો નોંધાયો
Read Full Story
arrow_forward