Palanpur: શિક્ષક-આચાર્ય રાષ્ટ્ર નિર્માણના પાયાના સ્તંભ : મંત્રી
યાત્રાધામ અંબાજી ખાતે કેબિનેટ શિક્ષણ મંત્રી ર્ડા.પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના 54 માં શૈક્ષણિક અને વહીવટી અધિવેશન પ્રારંભ થયો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ અધિવેશનમાં રાજ્યભરના 3500 થી વધુ આચાર્યઓનું વિશાળ પ્રતિનિધિમંડળ અંબાજી ખાતે ઉપસ્થિત થયું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ તેમજ શિક્ષણને સર્વોચ્ય શિખરે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અંબાજી ખાતે પ્રભારી મંત્રી કમલેશ પટેલ મા અંબાના દર્શન કરીને અધિવેશનમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.અધિવેશનનું ઉદ્ધાટન કરતાં કેબિનેટ શિક્ષણ મંત્રી ર્ડા.પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં ભારતનું ભવિષ્ય વર્ગખંડમાંથી નિર્માણ થાય છે. શિક્ષક અને આચાર્ય કોઈપણ રાષ્ટ્રના વિકાસના પાયાના સ્તંભ છે. આચાર્ય વિદ્યાર્થી તથા દેશના પથદર્શક તરીકે મહત્વની ભુમિકા ભજવે છે. મંત્રીએ જણાવ્યું હતું કે નબળા વર્ગના બાળકોના શિક્ષણની ચિંતા રાજ્ય અને કેન્દ્ર સરકાર રાખે છે. સમગ્ર ગુજરાત અને દેશમાં એકસાથે આશરે 13 લાખ વિદ્યાર્થીઓને રૂ.370 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું છે. ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ યોજના, દીકરીઓના શિક્ષણ માટે નમો લક્ષ્મી યોજના, વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ વધે તે માટે નમો સરસ્વતી યોજના તેમજ જ્ઞાન શક્તિ-રક્ષા શક્તિ રેસીડેન્શિયલ સ્કુલ જેવી અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ તમામ યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આચાર્યોની ભુમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ડીબીટી માધ્યમથી વિદ્યાર્થીઓના ખાતામાં સીધી શિષ્યવૃત્તિ પહોંચે તે માટે સરકાર સતત કાર્યરત છે. દરેક શાળામાં કમ્પ્યુટર, ઈન્ટરનેટ, સ્માર્ટ કલાસ તથા સ્માર્ટ બોર્ડ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ તમામ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ શિક્ષકો અને આચાર્યો દ્વારા કરવામાં આવે ત્યારે જ શિક્ષણ વ્યવસ્થા વધુ મજબુત અને અસરકારક બને છે. ટેકનોલોજી યુગમાં જી-શાળા જેવી એપ્લિકેશન દ્વારા શિક્ષણ પ્રક્રિયા વધુ સરળ બની છે. અત્યારનો સમય શિક્ષણ માટે સુવર્ણકાળ સમાન છે. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથ, વાંચે ગુજરાત ખેલે ગુજરાત અને પરીક્ષા પર ચર્ચા જેવી પહેલોથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. વર્ષ 2020 માં અમલમાં આવેલી નવી શિક્ષણ નીતી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, સર્જનશક્તિ, કૌશલ્ય વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન માટે નવી તકો ઉપલબ્ધ બની છે. આ પ્રસંગે બનાસકાંઠા પ્રભારી મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્ર એ વિકસિત સમાજ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણનો આધારસ્તંભ છે. વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત અને મુલ્યોના સંચારમાં આચાર્યઓની ભુમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત 2047 ના સંકલ્પને સાકાર કરવા માટે શિક્ષકગણ અને આચાર્યઓ માર્ગદર્શક શક્તિ તરીકે કાર્ય કરશે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુણવત્તાયુકત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ટેકનોલોજી આધારીત શિક્ષણ વ્યવસ્થાથી વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાની દિશામાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward