Tharad : થરાદ પોલીસ સ્ટેશનના ગરબામાં વિજેતા ખેલૈયાઓને પ્રોત્સાહક ઇનામનું વિતરણ
વાવ થરાદ જિલ્લામાં પ્રથમ વખત થરાદ પોલીસ વિભાગ દ્વારા એક અનોખી અને હૃદયસ્પર્શી પહેલ કરવામાં આવી છે. થરાદ પોલીસ સ્ટેશન ખાતે આયોજિત નિઃશુલ્ક નવરાત્રી મહોત્સવમાં સ્થાનિક મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યામાં માં ભગવતીની આરાધનામાં ગરબાના તાલે ઝૂમી રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કૌટુંબિક વાતાવરણના કારણે દરરોજ ગરબે રમવા આવતી મહિલાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. થરાદ પોલીસ સ્ટેશન જેવા સુરક્ષિત પરિસરમાં કોઈ પણ પ્રકારના ડર વગર મહિલાઓ અને યુવતીઓ સુરક્ષાના અહેસાસ સાથે નવરાત્રીની ભવ્ય ઉજવણી કરી રહી છે. આ આયોજનને વધુ રોમાંચક અને ઉત્સાહવર્ધક બનાવવા માટે ગરબે રમતી મહિલાઓ અને યુવતીઓમાંથી પ્રતિદિન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર એક થી પાંચ વિજેતા ખેલૈયાઓને પસંદ કરીને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવે છે.તાજેતરમાં જ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાના ધર્મપત્નીના વરદહસ્તે 1 થી 5 ક્રમાંકે વિજેતા બનેલી ખેલૈયા બહેનોને વિવિધ આકર્ષક ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ ભવ્ય આયોજનમાં માત્ર રમવા આવનાર ખેલૈયાઓ જ નહીં, પરંતુ ગરબા જોવા આવતી આમ જનતા માટે પણ પોલીસ વિભાગ દ્વારા સુંદર બેઠક વ્યવસ્થા અને સુસજ્જ વાહન પાર્કિંગની નિઃશુલ્ક સુવિધા કરવામાં આવી છે. પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહીને આવનાર તમામ શ્રદ્ધાળુઓ અને ખેલૈયાઓનું ભાવભર્યું સ્વાગત કરી રહ્યા છે.પોલીસ અને જનતા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવતી અને નારી શક્તિને સુરક્ષા સાથે ઉત્સવ મનાવવાનું મંચ પૂરું પાડતી થરાદ પોલીસની આ સુંદર પહેલની સમગ્ર પંથકમાં સરાહના થઈ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward