મેઘો રિસાતા મોંકાણ : નિઝર-કુકરમુંડામાં પૂરતો વરસાદ નહીં પડતાં ખેતપાકો ચીમળાવા લાગ્યા
તાપી જિલ્લાના નિઝર-કુકરમુંડા તાલુકાઓમાં આકાશી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોના ઊભા પાકો વરસાદના અભાવે ચીમળાવા લાગ્યા છે, સિંચાઇની સુવિધા ન હોવાથી ખેતરોમાં પાણી ન મળતા સુકાવા લાગેલા ઊભા પાકોના લીધે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, આકાશ તરફ જોઇ ખેડૂતો નિસાસો ઠાલવી રહ્યા છે.નિઝર અને કુકરમુંડા તાલુકાઓના મોટાભાગના વિસ્થાપિત તથા રેવન્યૂ ગામો છે, જેમાં વિસ્થાપિત ગામોના નાના અને સીમાંત ખેડૂતો કે જેઓ પ્લોટિંગની જમીનમાં રહેઠાણ અને વસવાટ કરી આકાશી ખેતી કરતા આવ્યા છે. આવા ખેડૂતોને આજ સુધી સારી સિંચાઇની સુવિધા મળી શકી નથી જેથી પ્લોટિંગની જમીનમાં જે પરિવર્તન કે વિકાસ થવાનો હોય તે થઇ શક્યો નથી. ચોમાસા દરમિયાન ખેડૂતોએ પોતાના ખેતરોમાં વરસાદી પાકો વાવ્યા છે પણ કમનસીબી એ રહી છે કે આ વર્ષે શરૂઆતથી જ બંને તાલુકાઓમાં વરસાદ ઓછો પડવાથી આ તાલુકાઓના ગામડાઓના ખેડૂતોની હાલત દયનીય બની છે, કારણ કે શરૂઆતમાં ઝાપટા સ્વરૂપે પડેલા વરસાદથી ખેડૂતોએ પોતાના ખેતરોમાં વરસાદી પાકો વાવ્યા છે અને પાકો છૂટાછવાયા વરસાદથી ઉગી નીકળ્યા છે અને હાલમાં પાકો ઉપર ફૂલ પણ આવી ગયા છે. આ પાકોને હવે વરસાદની તાતી જરૂર છે જે વરસાદ હાલમાં હાથતાળી આપતો રહ્યો છે, ઉપરથી તાપ અને બફારો પડવાથી પાકો હવે સુકાવા લાગ્યા છે, જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ઓછા વરસાદ અને અનિયમિત વરસાદથી પાકો જેવા કે હાઇબ્રિડ જુવાર, દેશી ડાંગર, મગ, અડદ, તુવેર, કપાસ, સોયાબીન, મકાઇ કે અન્ય કઠોળ પાકો સુકાવા લાગ્યા છે, મેઘરાજા વરસે તેવી વિનંતી ખેડૂતો કરતા થયા છે. મોટાભાગના ખેડૂતો પાસે સિંચાઇની કોઇ સુવિધા ન હોવાથી જેઓ માટે વરસાદ જ એકમાત્ર આધાર છે, જો વરસાદ ન થાય તો ઊભો પાક નષ્ટ થવા સાથે પરિવારોની આર્થિક સ્થિતિ કથળવાની શક્યતા રહેલી છે.આ બાબતે નિઝર-કુકરમુંડાના વિસ્થાપિત અને રેવન્યૂ ખેડૂતો સાથે રૂબરૂ મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે નિઝર અને કુકરમુંડા તાલુકામાં વરસાદની સિઝનમાં નજીવો વરસાદ પડયો છે, જ્યારે અન્ય તાલુકામાં ધોધમાર વરસાદ પડયો છે. અનિયમિત વરસાદ પડવાથી વરસાદી ખેતીમાં અમને ખૂબ જ મોટી સમસ્યા ઊભી થવાની છે, કારણ કે વરસાદી ખેતી માટે જે ખેડાણ, વાવેતર, નીંદામણ, દવા, બિયારણોના મોંઘા ખર્ચાઓ માથે પડવાના છે, તેથી ખેડૂતોના હિતાર્થે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward