Vyara : ડોલવણના તકિયાઆંબા ગામે ઘઘડી ફળિયામાં કાચા-કાદવિયા રસ્તાઓથી રહીશોને પરેશાની
ડોલવણના તકિયાઆંબા ગામમાં ઘઘડી ફળીયાને રસ્તા જેવી પાયાની સુવિધા વર્ષો પછી પણ પ્રાપ્ત થઇ શકી ન હોય, ચોમાસા દરમિયાન તો અત્યંત કાદવ-કીચ્ચડગ્રસ્ત બનતા રસ્તાને લીધે રહીશોએ મુખ્ય રસ્તા સુધી પગપાળા જ પસાર થવું પડે છે, 108 જેવી ઇમરજન્સી સેવા પણ રહીશોના ઘર સુધી પહોંચી શકતી નથી, ત્યારે પાયાની સુવિધા પુરી પાડવા આગામી વર્ષમાં જવાબદાર તંત્ર દ્દષ્ટિ કરે તેવી માંગ ઉઠી છે.ડોલવણ તાલુકાના તકિયાઆંબા ગામમાં ઘઘડી ફળીયાના રહીશોને વર્ષો પછી પણ ડામર રોડ નસીબમાં નથી, ફળીયામાં 8 થી 10 ઘરો આવેલા હોય જેઓએ ચોમાસું આવતા જ દરવર્ષે કાદવકીચ્ચડગ્રસ્ત આંતરીક રસ્તા ઉપરથી પસાર થવું પડે છે. બાળકોએ શાળાએ જવું હોય કે રોજગાર-ધંધાર્થે, દુધ ભરવા કે કોઇપણ કામકાજ માટે ઘરેથી નીકળી મુખ્ય રસ્તા સુધી પહોંચતા કીચ્ચડગ્રસ્ત રસ્તા ઉપરથી પગપાળા જવું પડે છે. પશુઓ માટે ઘાસચારો લઇને આવતા પશુપાલકો તો વારંવાર ચોમાસા દરમિયાન લપસણિયા રસ્તા ઉપર પટકાતા રહે છે. ચોમાસા દરમિયાન કોઇ ઇમરજન્સી સર્જાઇ તો 108 એમ્બ્યુલન્સ પણ ઘરો સુધી પહોંચી શકતી ન હોવાથી દર્દીને મુખ્ય રસ્તા સુધી જેમ તેમ ચાલતા કે ઉંચકીને લઇ જવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. સગર્ભા માતા કે ધાત્રી માતાઓએ બાળકો સાથે લપસણિયા રસ્તા ઉપરથી પસાર થઇને મમતા દિવસ કે આરોગ્યલક્ષી ચકાસણી અર્થે જવું પડે છે. ચુંટણીઓ દરમિયાન ઉમેદવારો રસ્તો બનાવી આપવાના ઠાલા વચનો આપી મત લઇ જાય છે, પરંતુ ત્યારબાદ જનપ્રતિનિધિઓ રસ્તાની સુવિધા જ પુરી પાડવાનું ભુલી જતા હોવાનો નિસાસો રહીશો ઠાલવી રહ્યા છે. ગ્રામ પંચાયતને મૌખિક રજુઆત રહીશો દ્વારા કરવા છતાં જેઓ દ્ધારા પણ કોઇ પગલાં લેવાતા ન હોવાનો રોષ રહીશોએ વ્યક્ત કર્યો હતો. આગામી વર્ષમાં ઘઘડી ફળીયાને આંતરીક રસ્તાની સુવિધા પુરી પાડવા સ્થાનિક ગ્રામપંચાયત, તાલુકા પંચાયતના જવાબદારો તેમજ ચુંટાયેલા પ્રતિનિધિઓ પણ જરૂરી કાર્યવાહી કરે તેની રહીશો રાહ જોતા રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward