Mahisagar: કડાણા ડેમમાં ગત વર્ષ કરતાં 11 ફૂટ વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ
ગુજરાત રાજ્યના ત્રીજા નંબરના સૌથી મહત્વના ગણાતા કડાણા ડેમમાંથી ઉનાળાની આ સિઝનમાં રાહતના અને સારા સમાચાર મળી રહ્યા છે. ડેમમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 11 ફૂટ પાણી વધુ ઉપલબ્ધ છે. હાલમાં ડેમ 52% થી વધુ ભરેલો હોવાથી, જો આગામી ચોમાસું થોડું મોડું થાય અથવા ખેંચાય તો પણ સંબંધિત વિસ્તારોમાં પાણીની કોઈ તંગી સર્જાશે નહીં તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.કડાણા ડેમના મદદનીશ ઈજનેર પાસેથી મળેલી માહિતી મુજબ, આ ડેમ મહીસાગર સહિત રાજ્યના અન્ય 7 જિલ્લાઓ માટે જીવાદોરી સમાન છે. સુજલામ સુફ્લામ નહેર યોજના દ્વારા (1) મહીસાગર, (2) અરવલ્લી, (3) મહેસાણા, (4) ગાંધીનગર, (5) ખેડા, (6) સાબરકાંઠા, (7) પાટણ અને (8) બનાસકાંઠા જિલ્લાને પીવાનું તથા સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે.સિંચાઈ અને પીવાના પાણીની વર્તમાન સ્થિતિ ઉપર નજર નાખીએ તો ડાબા કાંઠાની કેનાલમાં મહીસાગર જિલ્લાના 11,059 હેક્ટર વિસ્તારમાં પિયત માટે પાણી અપાય છે. જમણા કાંઠાની કેનાલઃ 3,344 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે.દાહોદ સુધી પીવાનું પાણી તેમજ તળાવો ભરવા માટે મહીસાગર નદીનું 120 ક્યુસેક પાણી હાલમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી હાલ પાવર હાઉસ મારફ્તે 1500 ક્યુસેક પાણી વણાકબોરી વિયર ખાતે મોકલાઈ રહ્યું છે, જે ખેડા, નડિયાદ અને આણંદ સુધી પીવા તેમજ સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે. પાણી પુરવઠાની સાથે-સાથે ડેમ ખાતે જળવિદ્યુત મથક (પાવર હાઉસ) પણ ધમધમી રહ્યું છે. હાલમાં પાવર હાઉસનું એક યુનિટ રોજનું 7 કલાક કાર્યરત રાખવામાં આવે છે, જેના દ્વારા દરરોજ અંદાજે 365 થી 385 મેગા વોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward