Surat : ખાડીપૂર અટકાવવા આંજણામાં 6 હજાર ચોરસ ફૂટના ગેરકાયદે દબાણો જમીનદોસ્ત
ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. ચોમાસા દરમિયાન શહેરમાં ખાડીપૂરની ગંભીર સમસ્યા ન સર્જાય તે માટે પાલિકાના લિંબાયત ઝોન દ્વારા ગુરુવારે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આંજણા વિસ્તારમાં ખાડી કિનારે અને નાળાઓની આસપાસ વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા ગેરકાયદેસર અવરોધરૂપ દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ મેગા ઓપરેશન દરમિયાન અંદાજે 6 હજાર ચોરસ ફૂટ જેટલી કિંમતી જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે.દબાણો અને ગંદકીના કારણે પૂરનું જોખમ હતું પાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આંજણા ખાડી કિનારે મોટા પાયે ગેરકાયદે ઝૂંપડાં, પાકા-કાચા બાંધકામો અને લારી-ગલ્લા ખડકી દેવાયા હતા. આ દબાણો અને તેના કારણે થતી ગંદકીને લીધે વરસાદી પાણીના કુદરતી વહેણમાં મોટો અવરોધ ઊભો થતો હતો. જો આ દબાણો હટાવવામાં ન આવ્યા હોત તો ભારે વરસાદના સમયે સુરતના નીચાણવાળા વિસ્તારો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનું, રસ્તાઓ પર કલાકો સુધી ટ્રાફિક જામ થવાનું અને રહેણાંક વિસ્તારોમાં મોટા નુકસાનનું ભારે જોખમ ઊભું થઈ શકે તેમ હતું. નોટિસ છતાં દબાણ ન હટાવતા કડક વલણ અપનાવાયું સુરત પાલિકા દ્વારા આ ગેરકાયદેસર દબાણકર્તાઓને અગાઉ રૂબરૂ સૂચનાઓ આપીને કાયદેસરની નોટિસો પણ ફટકવારવામાં આવી હતી. તેમ છતાં શખ્સો દ્વારા દબાણો સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યા ન હતા. આથી આખરે લિંબાયત ઝોનની ટીમે 1 જેસીબી (JCB) મશીન અને 15 બેલદારોના ચુસ્ત સ્ટાફ સાથે કડક વલણ અપનાવીને ઓપરેશન શરૂ કર્યું હતું અને તમામ કાચા-પાકા બાંધકામો તોડી પાડ્યા હતા. પ્રિ-મોન્સૂન એક્શન ચોમાસા પૂર્વે ખાડીઓની મૂળ પહોળાઈ અને ઊંડાઈ જાળવવી ખૂબ જ જરૂરી હોવાથી પાલિકાએ આ પ્રિ-મોન્સૂન એક્શન લીધું છે. આગામી દિવસોમાં પણ ખાડી કિનારાના અન્ય વિસ્તારોમાં આ પ્રકારની કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. આ પણ વાંચો---- Gandhinagar : ડાર્ક વેબથી UK જેલ સુધી કનેક્શન, 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં ચોંકાવનારો ધડાકો
Read Full Story arrow_forward