calendar_today
May 21, 2026
Gujarat સરકારના સહયોગથી L&Tની દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા વડનગરમાં કાર્યરત, 201 તાલીમાર્થીઓએ તાલીમ પૂર્ણ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં પ્રવેશતા રોડની બાજુમાં વીજળીનાં તાર વગર ઊભેલા ત્રણ વિશાળ ટ્રાન્સમિશન ટાવર સૌનું ધ્યાન ખેંચે છે. આ ત્રણ ટ્રાન્સમિશન ટાવરો હકીકતમાં લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપની દ્વારા મહેસાણા જિલ્લાના વડનગર ખાતે સ્થાપવામાં આવેલા ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI) ના તાલીમ આપવા માટે ઉભા કરાયેલા ‘પ્રેક્ટિકલ મોડેલ’ છે. તાલીમાર્થીઓ આ ટાવરોને કેવી રીતે ઉભા કરવા અને પછીથી તેને કેવી રીતે ખોલી નાંખવા તેનો પ્રેક્ટિકલ અનુભવ મેળવે છે.201 વિદ્યાર્થીઓની તાલીમ પૂર્ણ થઈ ગઈ
આવી જ પ્રેક્ટિકલ તાલીમની સુવિધાઓ 30 વીઘા જમીનમાં ફેલાયેલા સંકુલમાં જોવા મળે છે. અહીં તાલીમાર્થીઓને ઉદ્યોગલક્ષી કામો વિશે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે. L&T કંપનીએ ગુજરાત સરકારનાં સહયોગથી વડનગર ખાતે વિશ્વસ્તરીય તાલીમ સુવિધાઓ સાથે ઈન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI) સ્થાપી છે. અત્યાર સુધીમાં બે પાયલોટ બેચના કુલ 201 વિદ્યાર્થીઓની તાલીમ પૂર્ણ થઈ ગઈ છે અને તાલીમ પૂર્ણ થયા બાદ, તમામ ઇચ્છુક યુવાનો એલ એન્ડ કંપની દ્વારા રૂપિયા 18,000થી 20,000ના સ્ટાઈપેન્ડ સાથે વિવિધ પ્રોજેક્ટો પર કામ કરે છે.
મફતમાં રહેવા-જમવાની પણ વ્યવસ્થા
ખાસ વાત એ છે કે, ભાઈઓ અને બહેનો બંને માટે અહીં તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે. તાલીમાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. તમામ માટે રહેવા-જમવાની સુંદર વ્યવસ્થા સંપૂર્ણ મફતમાં આપવામાં આવે છે. વડનગરના રહેવાસી અને કોમર્સ સ્નાતક રોનક કડીયાને બે મહિના પહેલા ઔદ્યોગિક બાંધકામ તાલીમ સંસ્થા વિશે જાણકારી મળી. અહીં તેમણે ફોર્મવર્ક કાર્પેન્ટ્રી વિભાગમાં પ્રવેશ મેળવ્યો. આ તાલીમ પુરી કર્યા પછી તરત જ તેમને કંપની દ્વારા સ્પાઈપેન્ડ પર કામ પર રાખવામાં આવ્યા અને હાલ રોનક કડીયા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહેમદાવાદ ખાતે કામ કરે છે.
સંસ્થામાં ઉત્તમ તાલીમ આપવામાં આવે છે અને નોકરીની તકો ઉજળી
લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપની ભારતની સૌથી મોટી અને અગ્રણી એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપની છે. તે વિશ્વભરમાં વિશાળ અને જટિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું નિર્માણ કરે છે. “ICSTI-વડનગરમાં મને ઘણું શીખવા મળ્યું. મારી કુશળતામાં વધારો થયો. અત્યારે હું બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મહેમદાવાદ સાઇટ પર કામ કરું છું. મારા અનુભવ બાદ મેં મારા મિત્રોને પણ આ સંસ્થામાં તાલીમ લેવા માટે કહુ છું. કારણ કે, આ સંસ્થામાં ઉત્તમ તાલીમ આપવામાં આવે છે અને નોકરીની તકો ઉજળી છે,” રોનક કડીયાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું.
છેલ્લા ત્રણ મહિનામાં અહીંથી વિવિધ ટ્રેડોમાં 201 યુવાનોએ તાલીમ પૂર્ણ કરી છે. તાલીમ પામેલા યુવાનો હાલ સેમીકંડક્ટર ફેબ ઉદ્યોગ (ધોલેરા), બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, મેટ્રો રેલ પ્રોજેક્ટ (અમદાવાદ), સોલર પાવર પ્લાન્ટ (ખંભાળિયા), અને પાણીપત રિફાઇનરી પ્રોજેક્ટ (હરિયાણા) જેવા એલ એન્ડ ટીનાં મોટા પ્રોજેક્ટોમાં રૂપિયા 18,000 થી 20,000નાં સ્ટાઇપેન્ડ સાથે કામ કરે છે.
45, 60 અને 90 દિવસના કોર્ષ
ICSTI-વડનગર ખાતે બાંધકામ, ઉત્પાદન ક્ષેત્રો, અને નવા ઉદ્યોગો વિશે તાલીમ આપવામાં આવે છે. ઉદ્યોગોની માંગ અને કુશળતાની જરૂરિયાત અનુસાર 45, 60 અથવા 90 દિવસના કોર્ષ ચલાવવામાં આવે છે. આ સંસ્થામાં 20થી વધુ ટ્રેડોમાં તાલીમ આપવામાં આવે છે, જે દેશભરમાં એલ એન્ડ ટી દ્વારા સંચાલિત તમામ સ્કિલ ટ્રેનિંગ સેન્ટરો કરતા સૌથી વધુ છે.
“એલ એન્ડ ટીનું સ્કિલ ટ્રેનિંગ ફ્રેમવર્ક યુ.કે(UK)ના કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી ટ્રેનિંગ બોર્ડ (CITB) ના ધારાધોરણો પર આધારિત છે. કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટે (CSTI) CITB ના માર્ગદર્શન હેઠળ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે, જેથી વૈશ્વિક માપદંડ પ્રમાણે તાલીમનાં ધોરણો અહીં ગોઠવેલા છે.” L&T ICSTI-વડનગરના વડા નિરંજન મિશ્રાએ જણાવ્યું.
“ICSTI દ્વારા તાલીમ મેળવનાર યુવાનોને તેમની વિવિધ ટ્રેડમાં કુશળતાનાં આધારે લેવલ-2, લેવલ-3 અથવા લેવલ-4માં વર્ગીકૃત કરવામાં આવે છે. તાલીમ પૂર્ણ થયા બાદ ઉમેદવારોને L&Tના મોટા કન્સ્ટ્રક્શન અને હાઇડ્રોકાર્બન પ્રોજેક્ટોમાં નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ (NAPS) હેઠળ 24 મહિના અને પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ (PMIS) હેઠળ 9 મહિના માટે જોડવામાં આવે છે, એટલે કે, કુલ 33 મહિના માટે તેમને સ્ટાઇપેન્ડ સાથે કામ કરવાની તક મળે છે,” L&T ICSTI-વડનગરના વડા નિરંજન મિશ્રાએ વધુમાં જણાવ્યું.
વડનગરમાં આટલા વ્યવસાયોમાં તાલીમ આપવામાં આવે છે
વડનગર સ્થિત ICSTIમાં કુલ 20થી વધુ ટ્રેડોમાં તાલીમ આપવામાં આવે છે, જેમાં ફોર્મવર્ક-કાર્પેન્ટ્રી, બાર બેન્ડિંગ અને સ્ટીલ ફિક્સિંગ, સ્કેફોલ્ડિંગ, પ્રી-સ્ટ્રેસિંગ, મેસનરી, પ્લાસ્ટરિંગ, ટાઈલિંગ, વેટ પાર્ટિશન, પ્લમ્બિંગ અને સેનિટરી, ઇલેક્ટ્રિશિયન, કૉન્ક્રિટ લેબોરેટરી અને ફિલ્ડ ટેસ્ટિંગ, સર્વેઇંગ, વેલ્ડિંગ, પાઇપ ફિટિંગ, HVAC, ફાયર ફાઇટિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી (P&M), ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ (WET), સોલાર ટ્રાન્સમિશન ટાવર ઇરેકશન, ELV ટેલિકોમ્યુનિકેશન, સોલાર PV ટેક્નિશિયન, CCTV, FLS, EHS, IOT અને TOT સહિતના કોર્સનો સમાવેશ થાય છે.આ પણ વાંચો : Jamnagar News: આગોતરા વાવેતર માટે ધ્રોલ ઉંડ-1 ડેમના 6 દરવાજા ખોલાયા
Read Full Story
arrow_forward