Amreli News: વડિયામાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત, બંને પેટ્રોલ પંપ પર ઇંધણ ખૂટતાં વાહનચાલકો પરેશાન
અમરેલી જિલ્લાના વડિયા શહેરમાંથી વાહનચાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વડિયા શહેરમાં આવેલા બંને પેટ્રોલ પંપ પર અચાનક પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો છે. ઇંધણનો મુખ્ય સ્ટોક સંપૂર્ણપણે ખાલી થઈ જતાં પંપ પર 'નો સ્ટોક'ના બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેને પગલે સ્થાનિક વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.પેટ્રોલ-ડીઝલ મેળવવા પંપ પર વાહનોની લાંબી લાઈનો પેટ્રોલ અને ડીઝલની અછત હોવાના સમાચાર પ્રસરતાં જ મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ પંપ પર દોડી આવ્યા હતા. પંપ પર ઈંધણનો મર્યાદિત જથ્થો બચ્યો હોવાની આશંકાએ વાહનચાલકોની કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને ખેતીકામની સીઝન હોવાથી ખેડૂતો અને રોજના મુસાફરોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું. પૂરતો જથ્થો ન મળવાના કારણે જનજીવન પ્રભાવિત વડિયા જેવા મહત્વના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો ન મળવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોને જરૂરીયાત મુજબનું ઇંધણ ન મળતાં તેમનું રોજિંદું કામકાજ ખોરવાયું છે અને આસપાસના ગામડાઓમાં જવામાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકો દ્વારા વહેલી તકે બંને પંપ પર ઇંધણનો નવો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી તીવ્ર માંગ કરવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward