Bayad: બાયડ રેલવે સ્ટેશનને D ગ્રેડમાંથી રૂ.30.93 કરોડના ખર્ચે B ગ્રેડમાં અપગ્રેડ કરી દેવાશે
મોડાસા-નડિયાદ રેલવે લાઇન પરના મહત્વના સ્ટેશન એવા બાયડ રેલવે સ્ટેશનને અપગ્રેડ કરીને બી ગ્રેડના સ્ટેશનમાં તબદીલ કરવા માટે સાબરકાંઠા સાંસદની રજૂઆત બાદ કેન્દ્રીય રેલવે મંત્રાલયે રૂ.30.93 કરોડની માતબર રકમની ફાળવણી કરતાં બાયડવાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.મોડાસા-નડિયાદ રેલવે લાઇન પર બાયડ રેલ્વે સ્ટેશન આવેલું છે. આ રેલવે સ્ટેશન હાલમાં રેલવે મંત્રાલયના ગ્રેડ ડી હેઠળ આવે છે. ત્યારે આ અંગે સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ જણાવ્યું કે, મોડાસાથી નડિયાદની રેલવે લાઇન પર બાયડ એક મહત્વનું સ્ટેશન છે. હાલમાં આ ડી કેટેગરીનું સ્ટેશન છે. આ સ્ટેશનને અપગ્રેડ કરવા માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને તેમણે રજૂઆતો કરી હતી કે બાયડના રેલવે સ્ટેશનનો વિકાસ કરવાથી બાયડ તેમજ જિલ્લાના નાગરિકોને પણ ફાયદો થશે અને ભવિષ્યમાં રેલવે કનેક્ટીવીટીનો લાભ મળવાથી જિલ્લામાં વિકાસની નવી દિશાઓ ખુલશે. સાંસદની આ રજૂઆતોને ધ્યાને લઇને કેન્દ્રીય રેલવે મંત્રાલયે બાયડ રેલવે સ્ટેશનને હયાત ડી ગ્રેડમાંથી અપગ્રેડ કરીને બી ગ્રેડમાં લઇ જવાનો નિર્ણય કર્યો છે. આ માટે કેન્દ્રીય રેલવે મંત્રાલયે રૂ.30.93 કરોડ જેવી માતબર રકમની ફાળવણી કરવાનો નિર્ણય કરતાં સાંસદે જિલ્લાવાસીઓ વતી આ નિર્ણયને આવકાર્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે બાયડ રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવાથી નવી અનેક સુવિધાઓ અહીં ઉભી કરવામાં આવશે. ભવિષ્યમાં રેલવે કનેક્ટીવીટીનો લાભ નાગરિકોને મળતો થશે તેવું તેમણે ઉમેર્યું હતું. બાયડ રેલવે સ્ટેશને વિકાસના કામો પૂર્ણ થયા બાદ બાયડ સ્ટેશન વધુ આધુનિક, સુવિધાસભર અને મુસાફરો માટે આરામદાયક બનશે અને ટ્રેનોની અવરજવર પણ વધુ સરળ બનશે તેવી અપેક્ષાઓ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward