Ahmedabad News: પકોડીના ભાવમાં સીધો રૂપિયા 30નો વધારો, કોમર્શિયલ ગેસની કૃત્રિમ અછતથી ફાસ્ટફૂડ ઉદ્યોગ પર સંકટ
રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાતા નાના ધંધાર્થીઓ અને ફાસ્ટફૂડ વિક્રેતાઓ મુશ્કેલીમાં મુકાયા છે. બજારમાં ગેસ સિલિન્ડરની કૃત્રિમ અછત ઊભી કરીને તેને બ્લેકમાં વેચવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ લારી-ગલ્લાના સંચાલકો કરી રહ્યા છે. ગેસના અભાવે શહેરનો ધમધમતો ફાસ્ટફૂડ વ્યવસાય ઠપ થવાની ભીતિ સેવાઈ રહી છે.બ્લેક માર્કેટિંગનો આક્ષેપ અને બમણા ભાવ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પકોડી, દાબેલી અને અન્ય ફાસ્ટફૂડનો વ્યવસાય કરતા વિક્રેતાઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ સિલિન્ડર મેળવવા લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ છે. વિક્રેતાઓનો આરોપ છે કે, સામાન્ય સંજોગોમાં સરળતાથી મળતા સિલિન્ડર હવે ડબલ ભાવ ખર્ચવા છતાં ઉપલબ્ધ થતા નથી. ગેસ એજન્સીઓ અને વચેટિયાઓ દ્વારા જાણીજોઈને અછત ઊભી કરવામાં આવી હોવાની રાવ ઉઠી છે. મોંઘવારીનો માર, પકોડીના પેકેટમાં રૂપિયા 30નો ઉછાળો ગેસ સિલિન્ડરના વધતા ભાવ અને અછતની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે. અગાઉ જે તૈયાર પકોડીનું પેકેટ 70 રૂપિયામાં મળતું હતું, તેનો ભાવ હવે વધીને 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ખાદ્ય પદાર્થોના રો મટીરિયલ અને ઈંધણના ખર્ચમાં થયેલા વધારાને કારણે વિક્રેતાઓને ભાવ વધારો કરવાની ફરજ પડી છે, જેને પગલે ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નાના રોજગાર બચાવવા સરકારને અપીલ અમદાવાદના અનેક ચાર રસ્તાઓ પર ઉભા રહેતા ફાસ્ટફૂડના લારી-ગલ્લાઓ હવે ધીમે-ધીમે ઓછા થઈ રહ્યા છે. નાના ધંધાર્થીઓએ સરકાર અને તંત્રને અપીલ કરી છે કે, આ કૃત્રિમ અછત પાછળ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ગેસનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે. જો આગામી દિવસોમાં સ્થિતિ નહીં સુધરે, તો હજારો મધ્યમવર્ગીય પરિવારો જે આ વ્યવસાય પર નિર્ભર છે, તેમનો રોજગાર છીનવાઈ શકે છે. આ પણ વાંચો - Ahmedabad : વડોદરાની દુષ્કર્મની પીડિતાની ગર્ભપાતની અરજી હાઇકોર્ટે ફગાવી, 26 સપ્તાહનો ગર્ભ હોવાથી જીવને જોખમ હોવાની કોર્ટે લીધી નોંધ
Read Full Story arrow_forward