calendar_today
February 18, 2026
Gujarat Budget 2026 : 4,08,053 કરોડનું બજેટ ગૃહમાં રજુૂ કરાયુ, બજેટમાં 10 ટકા વધારો
નાણાં મંત્રી કનુ દેસાઇએ આજે ગૃહમાં 4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ગત વર્ષ કરતાં 10 ટકાનો વધારો કરાયો છે. નાણાં મંત્રીએ કહ્યું કે અમારી સરકારે ટેકનોલોજીને પરિવર્તનનું સાધન ગણેલ છે. સ્ટાર્ટઅપ માટે i-Hub અમદાવાદ ખાતે ઊભી થયેલ ઇકોસિસ્ટમને વિસ્તારતાં સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે i-Hubના રીજનલ સેન્ટર સ્થાપવામાં આવશે. જેના માટે ₹૮૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
એમ.એસ.એમ.ઈ. માટે ₹૧૭૭૫ કરોડની જોગવાઇ
સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્ય સરકારની નીતિઓથી યુવાનોને “વિચારથી વ્યવસાય” સુધીનું પ્રોત્સાહન મળી રહ્યું છે. યુવાનોની નવીન વિચારશક્તિ, ટેકનોલોજી પ્રત્યેની અભિરુચી અને સાહસના કારણે અત્યાર સુધી આશરે ૧૬ હજાર જેટલા સ્ટાર્ટઅપ નોંધાયેલા છે. જેના પરિણામે રાજ્યને ભારત સરકાર દ્વારા “બેસ્ટ પરફોર્મર સ્ટેટ”નો એવોર્ડ મળેલ છે. જે બદલ રાજ્યના યુવાનોને હું અભિનંદન પાઠવું છું. દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૯% યોગદાન સાથે, ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મજબૂત MSME (નાના અને મધ્યમ ઉદ્યોગ) ઇકોસિસ્ટમ ધરાવે છે. ૨૯ લાખથી વધુ MSME રજીસ્ટ્રેશન ધરાવતાં અગ્રેસર રાજ્યોની સૂચીમાં ગુજરાત સ્થાન ધરાવે છે. આ એકમોને પ્રોત્સાહન માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમ.એસ.એમ.ઈ. માટે ₹૧૭૭૫ કરોડની જોગવાઇ સૂચવું છું. ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસને આગળ વધારતાં આગામી સમયમાં ૨૫ જી.આઇ.ડી.સી.ને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે. જેમાં ₹૧૨૫૦ કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદ્રઢીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત ₹૫૦ કરોડના રોકાણથી ૧૨૦ મીની GIDCના નવીનીકરણનું આયોજન છે.
પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત
રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં ત્રણ એમ પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત કરું છું.
ટેક્સટાઇલ ઉદ્યોગો માટે જોગવાઇ
રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે “ગુજરાત ટેક્સટાઇલ પોલિસી” અંતર્ગત ₹૬૭ હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ થયેલ છે. જેને લીધે બે લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જાયેલ છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે ₹૨૭૫૫ કરોડની જોગવાઇ સૂચવું છું.નિકાસમાં ૨૬% થી વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન
રાષ્ટ્રની માલસામાન નિકાસમાં ૨૬% થી વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન, તાલીમ, આર્થિક અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GEPC)ની સ્થાપના કરવાની જાહેરાત કરું છું. રાજ્યએ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને ઈઝ ઓફ લિવિંગને વધુ સશક્ત બનાવવા ગુજરાત જન વિશ્વાસ(જોગવાઇઓમાં સુધારા) અધિનિયમ, ૨૦૨૫ અમલમાં મૂક્યો છે. જેમાં ૧૧ અધિનિયમો તથા ૫૧૬ જોગવાઇઓમાં હકારાત્મક કાયદાકીય સુધારાઓ કરવામાં આવ્યાં છે. આ સરળીકરણના લીધે ઉત્પાદક, વેપારી અને ઔદ્યોગિક કામદારોનો શાસન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
સ્વદેશી હાટ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે
રાજ્ય સરકાર આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે “વોકલ ફોર લોકલ”ની પહેલ હેઠળ તમામ જિલ્લાઓનાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. ભારત સરકાર દ્વારા રાજ્યના હાથશાળ-હસ્તકલાના અને ગ્રામોદ્યોગના ૯૦ જેટલા ઉત્પાદનોને “એક જિલ્લો, એક ઉત્પાદન” અંતર્ગત પસંદ કરવામાં આવ્યાં છે. આ ચીજવસ્તુઓ તૈયાર કરનાર કારીગરોને તેના વેચાણ માટે સ્વદેશી હાટ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.
જગતના તાત એવા અન્નદાતા માટે કુદરતી આફતો જેવા કઠિન સમયમાં રાજ્ય સરકાર હરહંમેશ તેમની પડખે ઊભી રહી છે.
પૂર અને કમોસમી વરસાદ
રાજ્યમાં આવેલ પૂર અને કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાં મદદરૂપ થવા ₹૧૧ હજાર કરોડથી વધુના કૃષિ રાહત પેકેજથી ૩૩ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવેલ છે. “વાવણીથી વેચાણ સુધી” ખેડૂતની સાથે રહી તેને ચડ-ઉતર થતા બજારના ભાવોમાં મદદ કરવા ૯ લાખ ૫૦ હજારથી વધુ ખેડૂતો પાસેથી ₹૧૮ હજાર કરોડથી વધુની મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસની ટેકાના ભાવે ખરીદી કરેલ છે.વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹૧૫૬૫ કરોડની જોગવાઇ
ખેડૂતોને ખેતીક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેકટર, પાવરટીલર, સીડડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઇ આવે છે. નાના-સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹૧૫૬૫ કરોડની જોગવાઇ સૂચવું છું.
ખેડૂતો પાકૃતિક ખેતી અપનાવે તે માટે અમારી સરકાર પ્રતિબદ્ધ
વધુમાં વધુ ખેડૂતો પાકૃતિક ખેતી અપનાવે તે માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટીંગ અને બ્રાન્ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડીંગ અને સર્ટીફીકેશન સહાય માટે ₹૩૯ કરોડની જોગવાઇ સૂચવું છું. રાજ્યમાં ડાંગર, કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસીંગ માટે છ (૬) સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવાનું આયોજન છે. જેના માટે ₹૧૨ કરોડની જોગવાઇ સૂચવું છું. “પર ડ્રોપ મોર ક્રોપ” સૂક્ષ્મ સિંચાઇ યોજના
રાજ્યમાં બાગાયત ક્ષેત્ર હેઠળનો વિસ્તાર છેલ્લા બે વર્ષમાં લગભગ બે લાખ હેક્ટરથી વધુ વિસ્તર્યો છે અને ફળ-શાકભાજી સહિતનું કુલ ઉત્પાદન ૨૧ લાખ મેટ્રિક ટનથી વધુ થયું છે. રાજ્યના ખેડૂતોને ઓછા ખર્ચની સામે આવક વધારતાં “પર ડ્રોપ મોર ક્રોપ” સૂક્ષ્મ સિંચાઇ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૨૫ લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયેલ છે. બાકી રહેતા વિસ્તાર માટેનું કામ પ્રગતિ હેઠળ છે.
સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના
દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ₹૧૨૩૭ કરોડ, સૌની યોજના માટે ₹૪૭૩ કરોડ તથા કચ્છની યોજના માટે ₹૧૩૩૩ કરોડ એમ કુલ ₹૩૦૪૩ કરોડની જોગવાઇ સૂચવું છું. અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના છેવાડાના ગામોને પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઇ સુવિધા પૂરી પાડવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયેલ છે અને બીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવેલ છે. જેના માટે ₹૯૫૮ કરોડની જોગવાઇ સૂચવું છું.
મત્સ્ય અને પશુપાલન ક્ષેત્ર જોગવાઇ
રાજ્યના મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રને આવક, રોજગાર અને પોષણનો મજબૂત આધાર બનાવવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યની હાલની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવાના લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે ₹૧૩૪૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
ગૌકલ્યાણ પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતા
પશુઓના સંવર્ધન, સંરક્ષણ, રોગ નિદાન અને તેને લગતી માળખાકીય સુવિધાઓમાં સહાય આપી દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૧૦%થી વધુ લઇ જવાનું આયોજન છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ, ગૌસંવર્ધન તથા ગૌકલ્યાણ પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. જેના માટે ₹૫૦૦ કરોડની જોગવાઇ કરું છું.
કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા ₹૧૫૩૯ કરોડની જોગવાઇ
ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા ₹૧૫૩૯ કરોડની જોગવાઇ કરું છું.
સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે
સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે. જેમાં અનાજ સંગ્રહથી લઇને રાજ્યના ૪ ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે. જેના માટે ₹૧૧૨ કરોડની જોગવાઇ સૂચવું છું.
Read Full Story
arrow_forward