Surendranagar: દારૂ અને વઢવાણ મારામારીના વોન્ટેડ આરોપીઓ અમરેલીથી ઝડપાયા
સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ ટીમે ગત ઓકટોબર-2025માં દિવાળીના તહેવારો દરમિયાન શહેરના રીવરફરન્ટ પાસે આંબેડકરનગર-1માં રહેતા પ્રોહી લીસ્ટેડ બુટલેગર હિતેશ ઉર્ફે બોટી કનુભાઈ દુલેરાના રહેણાક મકાન પાસે આવેલ ખંડેર મકાનમાં રેડ કરી હતી. જેમાં વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની દારૂની 384 બોટલ અને બીયરના 48 ટીન સહિત રૂપીયા 5,20,560નો મુદ્દામાલ પકડાયો હતો. દરોડા સમયે હાજર ન મળી આવનાર આરોપી હિતેશ ઉર્ફે બોટી કનુભાઈ દુલેરા સામે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બીજી તરફ ગત 11-10-2025ના રોજ વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલ રાસ્વી સોસાયટીમાં રહેતો 21 વર્ષીય વરૂણ વિજયભાઈ ચૌહાણ રાજકોટ રહેતો તેનો મિત્ર ઉમંગ ઈશ્વરભાઈ સોલંકી વઢવાણ જીઆઈડીસીમાં આવેલ તેની બહેનના ઘરે આવ્યો હોવાથી તેને મળવા ગયો હતો. બાદમાં ઉમંગ બાઈક લઈને વરૂણને મુકવા ગણપતી ફાટસર જતો હતો. ત્યારે રાતના 11 કલાકે ગણેશ એવન્યુ પાસે મોહીત ઉર્ફે ઢગો ભાવેશભાઈ પારધી સહિતના મીત્રો બેઠા હોઈ બન્ને ત્યાં ઉભા રહ્યા હતા. અને ઉમંગ તથા મોહીત એક બીજાની મશ્કરી કરતા હતા. આ સમયે ઉશ્કેરાયેલા મોહીતે પોતાના નેફામાંથી છરી કાઢી ઉમંગ ઉપર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં વરૂણ તેને બચાવવા વચ્ચે પડતા તેના પર પણ છરીના ઘા ઝીંકાયા હતા. આ સમયે આનંદ ઉર્ફે ટકો મકવાણાએ આવી લોખંડની કોશ વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં બન્ને મીત્રોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ અંગે વઢવાણ પોલીસ મથકે મોહીત ઉર્ફે ઢગો ભાવેશભાઈ પારધી અને આનંદ ઉર્ફે ટકો મકવાણા સામે ફરિયાદ નોંધાઈ હતી. ઓકટોબર-2025માં બનેલ આ બન્ને બનાવના 3 આરોપીઓ પોલીસને થાપ આપી નાસતા ફરતા હતા. આ દરમીયાન સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડના સંજયભાઈ અને કપીલભાઈને આ ત્રણેય અમરેલીના માણેકપરામાં આવેલ હોટલ એન્જલમાં રોકાયા હોવાની માહીતી મળી હતી. આથી સ્ટાફના પીએસઆઈ એન.એ.રાયમા, જે.વાય.પઠાણ, મુનાભાઈ રાઠોડ સહિતનાઓએ હોટલમાં દરોડો કરીને ત્રણ માસની ફરાર ત્રણેય આરોપીઓને ઝડપી લઈ જે તે પોલીસ મથકના હવાલે કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward