Surendranagar: ઉપસરપંચના ત્રાસથી યુવાનનો વખ ઘોળીને આપઘાત
વઢવાણ તાલુકાના સાંકળી ગામના યુવાને મોબાઈલમાં આવતી ડેટિંગ એપ્લીકેશનમાં ભુલથી ગામના ઉપસરપંચનો નંબર આપી દીધો હતો. આ બાબતે યુવાનને માર મારી માફી માંગતો વીડીયો ઉતારી ધમકી અપાતા યુવાને ગત તા. 14મીના રોજ ઝેરી દવા પી લીધી હતી. જેમાં તા. 23મીના રોજ સવારે યુવાનનું મોત થતા ઉપસરપંચ સામે વઢવાણ પોલીસ મથકે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે.વઢવાણ તાલુકાના સાંકળી ગામે 25 વર્ષીય યુવાન જયેશ ગોવિંદભાઈ મેણીયા રહેતો હતો. તે પોતાના મોબાઈલ ફોનમાં ડેટિંગ એપ્લીકેશન વાપરતો હતો. જેમાં તેણે એક યુવતીને ભુલથી ગામના ઉપસરપંચ રાજુ કાળુભાઈ ખાચરનો નંબર આપી દીધો હતો. જેમાં આ યુવતી રાજુ ખાચરને ફોન કરતી હતી. જેને લઈને તા. 13ના રોજ સાંજે રાજુ ખાચરે જયેશ મેણીયાને ફોન કરીને ગામના ઝાંપે બોલાવ્યો હતો. અને રાજુ ખાચરે 2-3 ઝાપટો મારી ઢીકાપાટુનો માર જયેશ મેણીયાને માર્યો હતો. આ ઉપરાંત જયેશનો માફી માંગતો વીડીયો પણ ઉતારી લીધો હતો. આ સમયે ગામના ઝાંપે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પરંતુ કોઈ જયેશ મેણીયાને છોડાવવા વચ્ચે પડયા ન હતા. આ ઉપરાંત રાજુ ખાચરે આ બધુ તારા મોબાઈલમાંથી ડીલીટ કરી નાંખજે, મારો મોબાઈલ નંબર આપવાથી કચ્છના કોમલબેન મને ફોન કરીને જેમ તેમ બોલે છે, તું હવે ગામમાં દેખાતો નહી અને દવા પી મરી જજે તેવી ધમકી આપી હતી. આથી લાગી આવતા જયેશ મેણીયાએ તા.14ના રોજ સવારના સમયે ખડમાં નાંખવાની ઝેરી દવા પી લીધી હતી. જેમાં તેને સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પીટલ અને ત્યાંથી સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયો હતો. જયાં સારવાર કારગત ન નીવડતા તા. 23ના રોજ વહેલી સવારે જયેશ મેણીયાનું મોત થયુ હતુ. પરિવારના આશાસ્પદ યુવાનનું મોત થતા પરીવારજનો રોષે ભરાયા હતા. અને જયાં સુધી આરોપી સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. બનાવની જાણ થતા એએસપી વૈદીકા બીહાની, વઢવાણ પીએસઆઈ ઝેડ.એલ.ઓડેદરા સહિતનાઓ હોસ્પીટલ દોડી ગયા હતા. અને ભારે સમજાવટ બાદ અંતે પરિવારજનોએ લાશ સ્વીકારી હતી. અને મૃતક જયેશ મેણીયાને લાશને પીએમ માટે ગાંધી હોસ્પીટલ લઈ જવાઈ હતી. બીજી તરફ પોલીસે મૃતક યુવાનના પિતા ગોવિંદભાઈ માલુભાઈ મેણીયાના નીવેદનને આધારે આરોપી અને સાંકળી ઉપસરપંચ રાજુ કાળુભાઈ ખાચર સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ ઝેડ.એલ.ઓડેદરા ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward