Dahod News: બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા મથકે ગત રાત્રિએ આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગરબાડાના વ્યસ્ત ગણાતા આઝાદ ચોક વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ આગમાં ગેસના સિલિન્ડર ફાટતા પ્રચંડ ધડાકા થયા હતા, જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન ઘટનાની મળતી માહિતી અનુસાર, આઝાદ ચોકમાં આવેલા આ મકાનમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ઘરની નીચે આવેલા ગેરેજમાં પણ આગ પ્રસરી ગઈ હતી. ગેરેજમાં રહેલો સામાન અને મકાનની ઘરવખરી આગની ઝપેટમાં આવી જતાં મોટું નુકસાન થયું છે. સિલિન્ડર બ્લાસ્ટથી મચી દોડધામ આગ એટલી ભયાનક હતી કે મકાનમાં રાખેલા બે ગેસના સિલિન્ડર એક પછી એક ધડાકાભેર ફાટ્યા હતા. સિલિન્ડર બ્લાસ્ટના અવાજથી આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે, જે સમયે આગ લાગી તે સમયે ઘરમાં કોઈ સભ્યો હાજર ન હોવાથી એક મોટી જાનહાનિ ટળી હતી. જો પરિવાર અંદર હોત તો મોટી દુર્ઘટના ઘટી શકી હોત. ફાયર ફાઈટરોએ મેળવ્યો કાબૂ આગ લાગવાની ઘટનાની જાણ થતા જ દાહોદ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને તેના પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિક પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં લાખો રૂપિયાની મિલકત ખાખ થઈ હોવાની આશંકા છે. આ પણ વાંચો - Dahod:બારીયા રોડ તળાવમાં ઝાડી-ઝાંખરા જંગલી વેલાએ સામ્રાજ્ય જમાવ્યું
Read Full Story arrow_forward