હેમાની કોપકેર કંપનીના ગેસથી પાકને નુકસાનનો ખેડૂતોનો આક્ષેપ
વાગરા તાલુકાના સારણ ગામના ખેડૂતોએ હેમાની કોપકેર પ્રા.લી. કંપનીમાંથી નીકળતા પ્રદુષણરૂપી ગેસના કારણે ખેતીના પાકને નુકસાન થતુ હોવાનો આક્ષેપ કરી ભરૂચ જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે. ખેડૂતો દ્વારા કંપનીના ચોક્કસ પ્રોડકટનું ઉત્પાદન બંધ કરવાની માંગ સાથે તંત્ર દ્વારા તાત્કાલીક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.સારણ ગામના ખેડૂતો દ્વારા 31 ઓગષ્ટના રોજ કરાયેલી રજુઆતમાં જણાવ્યા મુજબ, કંપનીમાંથી નીકળતા ગેસની અસરથી સારણ ગામની સીમ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં કપાસ, તુવેર, લીમડો સહીતના ઝાડ-પાકને નુકશાન થઈ રહ્યુ છે.ખેડૂતોનો આક્ષેપ છે કે ગેસના કારણે ખેતી આધારિત તેમની આજીવિકા પર સીધી અસર પડી રહી છે અને તેમને આર્થિક નુકસાન સહન કરવુ પડી રહ્યુ છે. ખેડૂતોએ વધુમાં જણાવ્યુ છે કે, કંપની દક્ષિણ દિશામાં આવેલી હોવાથી પવનની દિશા મુજબ અસર થતી હોવાનું જણાય છે જયારે પિૃમ દિશામાં નુકશાન થયુ નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ અગાઉ કંપની બંધ હતી ત્યારે આ પ્રકારનું નુકશાન થતુ ન હતુ તેમજ ગામમાં પણ આવી સમસ્યા જોવા મળતી ન હતી. કંપની ફરી શરૂ થયાના આશરે આઠ મહિનાથી પાકને વધુ નુકશાન થતુ હોવાનો ખેડૂતોનો દાવો છે.રજુઆતમાં ગામ લોકોએ કંપની સામે વિરોધ વ્યકત કરતા કહ્યુ છે કે, કંપની હાલના પ્રોડકટને બદલે અન્ય પ્રોડકટનું ઉત્પાદન કરે તો તેમને કોઈ વાંધો નથી. જો કે વર્તમાન પ્રોડકટના કારણે પાક અને લોકોના સ્વાસ્થ્ય પર અસર થતી હોવાના આક્ષેપ સાથે તેનું ઉત્પાદન બંધ કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવુ છે કે ખેતી તેમની જીવાદોરી છે અને પાકને નુકશાન થવાથી તેઓ ગંભીર આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે તાત્કાલીક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં વધુમાં ચીમકી આપવામાં આવી છે કે જો રજુઆત અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં નહી આવે તો સારણ ગામના ખેડૂત ખાતેદારો તેમજ આસપાસના ગામોના ખેડૂતો હેમાની કોપકેર પ્રા.લિ. કંપનીના ગેટ સામે ધરણા પર બેસશે. આ સ્થિતીમાં ઉભી થતી તમામ જવાબદારી કંપનીની રહેશે તેવી ખેડૂતો દ્વારા ચેતવણી અપાઇ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward