Navsari : પૂર્ણા કાંઠે વિસર્જન વ્યવસ્થાપન અને સફાઈ કામ સુનિશ્ચિત કરવા તાકીદ
નવસારી શહેરમાં ચાલી રહેલી વિકાસલક્ષી કામગીરી અને આગામી તહેવારોની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય અને પાલિકાની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી.મહાનગરપાલિકાના અધિકારીઓની મુલાકાત દરમિયાન મુખ્યત્વે ગણેશ વિસર્જન આયોજન, સઘન સ્વચ્છતા, ગાર્ડન ડેવલપમેન્ટ અને નાગરિકો માટેની જાહેર સુવિધાઓની સ્થળ પર જઈને સમીક્ષા કરવામાં આવી હતી. લુન્સીકૂઈ ગ્રાઉન્ડ અને પૂર્ણા નદી કિનારે વિસર્જન વ્યવસ્થાની સમીક્ષા કમિશનર જયેશ ઉપાધ્યાયે લુન્સીકૂઇ ગ્રાઉન્ડ ખાતે આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમના સ્થળની મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા આદેશ આપ્યા હતા.ત્યારબાદ આગામી ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને પૂર્ણા નદીના કિનારે ઊભી થનારી વિવિધ વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી વિસર્જન પર્વ દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની અડચણ ન પડે અને સમગ્ર વિસ્તાર સ્વચ્છ તેમજ વ્યવસ્થિત રહે તે માટે ભાર મૂક્યો હતો. આ સ્થળે યોગ્ય બ્રાન્ડિંગ, સમયસર સફાઈ અને ઉત્તમ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને તાકીદ કરવામાં આવી હતી. તમામ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવીને કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા આદેશ અપાયો હતો. આ ઉપરાંત મનપાની શહેરના ફુવારા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક જયુબિલી ગાર્ડનની મુલાકાત લઈ ગાર્ડનના રિડેવલપમેન્ટ તથા નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા અંગે સમીક્ષા કરાઈ હતી. આ ગાર્ડનમાં મનપાની આવક ઊભી કરવાના હેતુથી તૈયાર કરાયેલા ફૂડ કોર્ટના યોગ્ય સંચાલન અંગે ગહન ચર્ચા થઈ હતી. ફૂડ કોર્ટને નિયમોનુસાર અને પારદર્શક હરાજી પદ્ધતિથી ફાળવીને મહાનગરપાલિકાની આવકમાં ઉત્તરોત્તર વધારો થાય તે દિશામાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ અપાયા હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward