android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad : વલસાડમાં ઔરંગા નદીમાં જેટ્ટીના સ્થળે ગણેશ મૂર્તિઓના વિસર્જન કરવા પર પ્રશ્નાર્થ સર્જાયો
calendar_today September 18, 2026

Valsad : વલસાડમાં ઔરંગા નદીમાં જેટ્ટીના સ્થળે ગણેશ મૂર્તિઓના વિસર્જન કરવા પર પ્રશ્નાર્થ સર્જાયો

ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા વલસાડના બંદરરોડ ઔરંગા નદી ખાતે જર્જરિત જેટ્ટીના સ્થળે શુક્રવારે મુકાયેલા એક બોર્ડને કારણે ભારે વિવાદ સર્જાયો છે. આ જેટ્ટી જર્જરિત અને અસુરક્ષિત હાલતમાં હોવાથી અહીં પ્રવેશ કરવા તથા કોઇપણ પ્રકારની પ્રવૃત્તિ કરવા પર મનાઇ ફરમાવીને નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એ મુજબના લખાણ સાથેનું બોર્ડ મૂકી દેવાતા આ વખતે બંદરરોડ ઔરંગા નદી ખાતેના જેટ્ટીના સ્થળે વિસર્જન થઇ શકશે કે નહીં તેને લઇને ગણેશમંડળો ચિંતામાં મુકાયા છે. તો બીજી તરફ્, જેટીની બાજુમાં રેમ્પ બનાવવા સહિત મરામત પાછળ નગરપાલિકાએ ખર્ચેલા લાખો રૂપિયા પાણીમાં જવાની આશંકા સેવાઇ રહી છે.વલસાડની ઔરંગા નદીમાં ચાલુ ચોમાસામાં જુલાઇની 22-23 તારીખે આવેલા ભયંકર પૂરમાં બંદરરોડ ઔરંગા નદી પર બનાવેલ જેટ્ટીનું ભારે ધોવાણ થયું હતું. તેને કારણે અહીં ગણેશ વિસર્જન કરવામાં હાલાકી પડશે તેવી કાગારોળ વલસાડના ગણેશમંડળોએ મચાવીને વલસાડ નગરપાલિકાને મરામત કરાવી આપવા ભારે દબાણ સર્જ્યું હતું. હકીકતમાં જેટ્ટી અને આસપાસનો વિસ્તાર ગુજરાત મેરિટાઇમ બોર્ડના તાબા હેઠળ છે અને પાછલા ત્રણ વર્ષથી તેઓ દ્વારા આ સ્થળે વિસર્જન કરવા દેવાને લઇને અડિંગો નાંખતા આવ્યા છે.ચાલુ ચોમાસામાં પૂરને કારણે અહીંની જેટ્ટી ખેદાન-મેદાન થઇ ગઇ છે અને આખું સ્ટ્રક્ચર જોખમી બની ગયું હોવાથી ગણેશ વિસર્જન થઇ શકે તેવી સ્થિતિ રહી ન હતી. જે મુદ્દે શહેરના કેટલાક મોટા ગજાના ગણેશમંડળો દ્વારા કલેક્ટર તેમજ વલસાડ નગરપાલિકાના સી.ઓ. અને પ્રમુખને આવેદનપત્ર આપી જેટ્ટી અને આસપાસના સ્થળોની મરામત તાત્કાલિક કરાવવાની માંગણી કરી હતી. જેટ્ટી સહિતનો વિસ્તાર વલસાડ નગરપાલિકાની માલિકીનો નહીં હોવા છતાં લોકોની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને જેટ્ટીની બાજુમાં કામચલાઉ રેમ્પ બનાવી દેવાયો છે અને વિસર્જન થઇ શકે તે મુજબની વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી છે. દરમિયાન ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા જેટ્ટીના સ્થળે જાહેર સૂચના એવા હેડિંગ સાથેનું બોર્ડ લગાડી દેવાયું છે. જેમાં જેટ્ટી હાલ જર્જરિત અને અસુરક્ષિત હાલતમાં હોય, તેથી આ જેટ્ટી ઉપર પ્રવેશ કરવા પર તથા કોઇપણ પ્રકારની પ્રવૃત્તિ કરવા પર સખત મનાઇ ફરમાવાઈ છે. તેથી હવે આ સ્થળે વિસર્જન પ્રક્રિયાને લઈને સવાલ ઉભો થયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : જિલ્લામાં શ્રીકાર અઢીથી ચાર ઈંચ વરસાદ ખાબક્યો
calendar_today September 18, 2026

Gandhinagar : જિલ્લામાં શ્રીકાર અઢીથી ચાર ઈંચ વરસાદ ખાબક્યો

ગાંધીનગરમાં બે દિવસના વિરામ બાદ સાંજથી ફરી મેઘમહેર શરૂ થઈ હતી. જેમાં રાત્રે મેઘરાજાએ શરૂ કરેલી તોફાની બેટિંગ આજે બપોરે 12 વાગ્યા સુધી ચાલુ રહી હતી. જેમાં જિલ્લામાં ચારેય તાલુકામાં સરેરાશ અઢીથી લઈને ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેની અસરથી નીચાણવાળા વિસ્તારોમાં અનેક સ્થળે પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદ વચ્ચે ગઈકાલ રાતથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં દહેગામ તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ પડી ગયો હતો. કલોલ તાલુકામાં પોણા ત્રણ ઈંચ વરસાદ, ગાંધીનગર અને માણસા પંથકમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જોકે બપોરે 12 વાગ્યા બાદ વરસાદે વિરામ લીધો હોવાની સ્થિતિ જોવા મળી હતી.ગાંધીનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ જામેલા વરસાદી માહોલમાં આજે મેઘરાજા મનમુકીને વર્ષા હતા. બે દિવસના વિરામ બાદ ગાંધીનગરના ચારેય તાલુકામાં ગઈકાલે રાતથી ફરી વરસાદ શરૂ થયો તો. જેમાં દહેગામમાં રાત્રે બે વાગ્યાથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 104 એમએમ એટલે ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેમાં ગઈકાલ રાતથી આજે સવારે છ વાગ્યા સુધીમાં 54 એમએએમ જ્યારે આજે સવારે 10 વાગ્યા સુધીમાં 46 એમએમ વરસાદ પડયો હતો. કલોલમાં રાત્રે 2 વાગ્યાથી લઈ સવારે છ વાગ્યા સુધીમાં 24 એમએમ જ્યારે આજે સવારે છથી 12 વચ્ચે 47 એમએમ વરસાદ નોંધાયો હતો. આ તરફ ગાંધીનગર શહેર સહિત તાલુકામાં ગઈકાલે સાંજે છ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીમાં છૂટાછવાયા છાપટામાં 14 એમએમ એટલે અડધો ઈંચ મેઘમહેર થઈ હતી. જે બાદ સવારે છ વાગ્યા બાદ ધોધમાર વરસાદ પડયો હતો, જેમાં 12 વાગ્યા સુધીમાં 46 એમએમ એટલે પોણા બે ઈંચ વરસાદ પડી ગયો હતો. માણસા પંથકમાં ગઈકાલે રાત્રે 12થી ચાર વચ્ચે 9 એમએમ જ્યારે સવારે 6થી 12 વચ્ચે 54 એએમ એટલે બે ઈંચથી વધુ વરસાદ પડયો હતો. વરસાદને પગલે શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને પગલે પાટનગરમાં વાવોલ સહિતના અંડરપાસોમાં થોડા સમય માટે પાણી ભરાઈ ગયા હતા. જેને પગલે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જ્યારે શહેરના માર્ગો ઉપર ઘણી જગ્યાએ આખો દિવસ વરસાદી પાણી ભરાયેલા નજરે પડયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Valsad : ધીમસા કાકરિયા પાસે કાર ઝાડ સાથે અથડાતા ત્રણનાં મોત, અન્ય બે ગંભીર
calendar_today September 18, 2026

Valsad : ધીમસા કાકરિયા પાસે કાર ઝાડ સાથે અથડાતા ત્રણનાં મોત, અન્ય બે ગંભીર

સંજાણ-ભીલાડ રોડ પર તુંબ નજીક ધીમસા કાંકરિયા પાસે ગુરુવારે મોડી રાત્રે સ્વિફ્ટ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયયો હતો અને પાંચેય વ્યક્તિઓ કારમાં ફ્સાઈ ગયા હતા. અકસ્માતમાં ત્રણનાં મોત થયા હતા, જ્યારે બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.મળતી માહિતી મુજબ, ગુરુવારે મધરાત્રિના સમયે બાલારામ ઉર્ફે કિશન ભંવરલાલ મેઘવાલ (ઉં.વ. 27, રહે. સોળસુંબા, ક્રિષ્ના નગર, મૂળ રાજસ્થાન), નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ રાઠોડ (ઉં.વ. 30, રહે. સોળસુંબા, શિવમ વિલા, મૂળ રાજસ્થાન), અર્જુન ત્રિયોગીનાથ શાહ (ઉં.વ. 26, રહે. સુંદરવન, ગાંધીવાડી), વિક્રમસિંહ સંપતસિંહ સોહાન (ઉં.વ. 23) અને જાલમસિંહ મધસિંહ રાજપુત (ઉં.વ. 30) કારમાં ભીલાડથી સંજાણ તરફ્ આવી રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના આશરે અઢી વાગ્યાના અરસામાં તુંબ નજીક ધીમસા કાંકરિયા પાસે કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ધડાકાનો અવાજ થતાં આજુબાજુના સ્થાનિકો અને પસાર થતા વાહનચાલકો દોડી આવ્યા હતા અને 108, પોલીસ તથા ફાયર વિભાગને જાણ કરી હતી. જે બાદ ઉમરગામ પોલીસ, ઉમરગામ નગરપાલિકા, જીઆઈડીસી નોટિફાઇડ, સરીગામ નોટિફાઇડ અને વાપી ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.અકસાન એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. અને પાંચેય કારમાં દબાઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે કટર નો ઉપયોગ કરી કારના પતરાં કાપી ભારે જહેમત બાદ પાંચેયને કારમાંથી બહાર કાઢયા હતા અને ઉમરગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બાલારામ ઉર્ફે કિશન ભંવરલાલ મેઘવાલ, નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ રાઠોડ અને અર્જુન ત્રિયોગીનાથ શાહને મૃત જાહેર કર્યા હતા. જ્યારે વિક્રમસિંહ સંપતસિંહ સોહાન અને જાલમસિંહ મધસિંહ રાજપુતને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાંથી જાલમસિંહ રાજપુતની હાલત ગંભીર હોવાથી સુરત સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward