Dabhoi: શિનોર ચોકડી પાસેનો સોસાયટી વિસ્તાર બેટમાં ફેરવાયો
ડભોઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં પડેલા સામાન્ય વરસાદમાં જ માર્ગ અને મકાન (R&B) વિભાગ તેમજ સ્થાનિક તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. ડભોઈની શિનોર ચોકડી પાસે વિમલ સોસાયટી તેમજ ગોવિંદ પાર્ક-1 અને ગોવિંદ પાર્ક-2 સોસાયટીઓમાં સામાન્ય વરસાદમાં જ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સોસાયટીના માર્ગો સહિત અંદાજે 50થી વધુ રહેણાંક મકાનોમાં અડધોથી એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે.સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ, છેલ્લા 20 દિવસથી R&B વિભાગ દ્વારા આ વિસ્તારમાં નવા રોડનું કામ શરૂ કરાયું છે. જેમાં આડેધડ ખોદકામ કરાયુંહતું. પાણીના કુદરતી નિકાલનું કોઈ યોગ્ય આયોજન કરાયું ન હતું. વધુમાં, નવો રોડ વધુ પડતો ઊંચો બનાવી દેવાતાં આજુબાજુની રહેણાંક સોસાયટીઓ 5થી 6 ફૂટ જેટલા ઊંડા ખાડામાં ફેરવાઈ છે. એટલું જ નહીં, ખોદકામ દરમિયાન વરસાદી પાણી અને ગટરના નિકાલ માટેની જૂની પાઈપલાઈન પણ તોડી પાડી હતી. જેનું આજદિન સુધી કોઈ સમારકામ કરાયું નથી.પરિણામે, સામાન્ય વરસાદનું પાણી પણ બહાર નીકળવાના બદલે સીધું સોસાયટીઓમાં ભરાય છે. સોસાયટીના લગભગ દરેક મકાનમાં ઘૂંટણસમા અને અડધો ફૂટ જેટલા પાણી ઘૂસી જતાં રાચરચીલું અને ઘરવખરી પલળી હતી. હાલ ગણેશોત્સવમાં ઘરોમાં સ્થાપિત કરાયેલા ગણપતિ બાપ્પાની મૂર્તિઓ આગળ પણ પાણી ભરાઈ જતાં પૂજા-અર્ચના કરવી મુશ્કેલ બની છે. સોસાયટીમાંથી બહાર નીકળવાના રસ્તાઓ જળમગ્ન હોવાથી શાળાએ જતાં નાના ભૂલકાંઓ, વૃદ્ધો અને નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયા છે. સોસાયટીના આગેવાનો અને રહીશોએ જણાવ્યું હતું કે, કલાકોથી પાણી ભરાયેલા હોવા છતાં અને R&B વિભાગ તેમજ સંબંધિત તંત્રના અધિકારીઓને વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવા છતાં કોઈ જવાબ અપાતો નથી કે, અધિકારીઓ ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી. ગોવિંદ પાર્ક અને વિમલ સોસાયટીના રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો જવાબદાર વિભાગ અનેઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ ભરાયેલા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં કરે તો આગામી દિવસોમાં તમામ સોસાયટીઓના રહીશો ભેગા મળીને ગાંધી ચીંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન સહિત ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બનશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward