મહુવા-અંબિકા તાલુકા સહકારી સંમેલન દૂધ અને ખાંડ ઉત્પાદન વધારવા ચિંતન
બારડોલી : અનાવલાના વલ્લભાશ્રામ સંકુલ ખાતે શનિવારે મહુવા-અંબિકા તાલુકાનું સહકારી સંમેલન યોજાયું હતું. જેમાં ખેતી અને પશુપાલન ઉપરાંત શેરડી પકડવા ખેડૂતોની દશા અંગે ચિંતન કરાયું હતું.સંમેલનમાં સુરત જિલ્લાના સહકારી ખેડૂત આગેવાન માનસિંહભાઈ પટેલે જણાવ્યું કે, સહકારી ખાંડ ઉદ્યોગની સ્થિતિ દિવસે અને દિવસે બગડતી જાય છે. શેરડીનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. ખેડૂતોએ પાયલોટ પ્રોજેક્ટ પ્રમાણે આધુનિક રીતે શેરડીની ખેતી કરવી પડશે. ખેતી મોંઘી થતી હોવાથી વધુ ઉત્પાદન એ એકમાત્ર હવે વિકલ્પ રહ્યો છે. સહકારી ક્ષેત્રમાં હવે દૂષણો ઘર કરવા લાગ્યા છે. જેનાથી સંસ્થાઓનું માળખું તૂટવા લાગ્યું છે. સહકારમાં માત્ર સહકાર જ હોય છે. બીજી બધી પ્રવૃત્તિઓ ચાલુ થાય એટલે સહકારી ક્ષેત્ર ખતમ થઈ જાય છે. જો સુગર ફેક્ટરીઓ અને સહકારી દૂધ મંડળીઓ ટકશે નહી તો ગ્રામ્ય અર્થતંત્ર પડી ભાંગશે. ખેડૂતો અને પશુપાલકોની હાલત બદતર થઈ જશે. એમ તેમણે કહ્યું હતું. આ સહકારી સંમેલનમાં અનાવલ કેળવણી મંડળના પ્રમુખ વિપુલભાઈ પટેલે જણાવ્યું કે, સુરત જિલ્લાના ગ્રામ્ય લોકોની જે સુખાકારી આજે છે તે માત્ર ને માત્ર દૂધ મંડળીઓ સાથેના પશુપાલકોના દૂધ વ્યવસાય ઉપરાંત સુગર ફેક્ટરીઓ સાથેના શેરડી પાકના કારણે છે. જેને ટકાવી રાખવું જરૂરી છે. સુમુલ ડેરીના મહુવાના ડિરેક્ટર ધનંજયભાઈ પટેલે કહ્યું કે, આપણું ગ્રામ્ય અર્થતંત્ર દૂધના વ્યવસાય પર ટકેલું છે. દરેક ગામડાઓમાં પશુપાલકો પશુપાલન થકી દૂધ ઉત્પાદન કરીને મંડળીઓ મારફતે તેની આવક મેળવે છે. બીજી તરફ પશુપાલનની સાથે ખાંડ ઉદ્યોગ આપણા માટે જીવાદોરી છે. શૈલેષભાઈ બારોટે પણ ખેડૂતો અને પશુપાલકો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં સહકારી આગેવાનો તુષારભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, સુનિલસિંહ પરમાર, હેમાંશુભાઈ પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂત પશુપાલકો અને સહકારી મંડળીઓના સંચાલક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward