Dahod News: સંજેલીમાં ગેસ સિલિન્ડર માટે ભારે પડાપડી અને મારામારી
દાહોદ જિલ્લાના સંજેલીમાં રાંધણ ગેસના સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકો વચ્ચે ભારે પડાપડી અને હોબાળાની ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં ગેસ સિલિન્ડરની ભારે અછત વર્તાઈ રહી છે, જેના કારણે લોકોમાં ભારે અસંતોષ હતો. આ દરમિયાન સંજેલી ખાતે રાંધણ ગેસના બાટલા ભરેલી વિતરણ ગાડી આવી પહોંચતા જ ગેસ મેળવવા માટે સ્થાનિક લોકોના મોટા ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો.સિલિન્ડર મેળવવાની હોડમાં ગ્રાહકો વચ્ચે સર્જાયું ઘર્ષણ મર્યાદિત જથ્થો અને ગ્રાહકોની સંખ્યા વધુ હોવાને કારણે વહેલા તે પહેલાના ધોરણે સિલિન્ડર મેળવવા માટે લોકો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. લાઈનમાં ઊભા રહેવા અને બાટલો ઝડપી લેવાની લ્હાયમાં જોતજોતામાં મામલો બિચક્યો હતો. સિલિન્ડર લેવા આવેલા ગ્રાહકો આપસમાં જ લડી પડ્યા હતા અને રસ્તા પર જ એકબીજા સાથે ગડદાપાટુની ભારે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. ગેસ એજન્સીના કર્મચારીઓ અને ગ્રાહકો સામસામે આવ્યા આ ગેરવ્યવસ્થાને પગલે ઉશ્કેરાયેલા ગ્રાહકો અને ગેસ એજન્સીના કર્મચારીઓ પણ સામસામે આવી ગયા હતા. યોગ્ય વિતરણ વ્યવસ્થા ન હોવાને કારણે ગ્રાહકોએ એજન્સીના સ્ટાફ સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો, જેના લીધે બંને પક્ષો વચ્ચે ભારે બોલાચાલી અને તૂ-તૂ મેં-મેં થઈ હતી. આ સમગ્ર હોબાળા અને મારામારીના દ્રશ્યો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તંત્ર અને વિતરણ વ્યવસ્થા સામે સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ લાંબા સમયથી ચાલતી ગેસની અછત અને આ પ્રકારની કથળેલી વિતરણ વ્યવસ્થાને લઈને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, તંત્ર દ્વારા વિતરણ પ્રક્રિયા પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેને કારણે દર વખતે આવી પરિસ્થિતિ ઊભી થાય છે. સ્થાનિકોએ વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવીને સંજેલીમાં તાત્કાલિક ધોરણે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા અને સુવ્યવસ્થિત વિતરણ થાય તેવી માગ કરી છે. આ પણ વાંચો - Dahod : સંજેલીની ડૉ.શિલ્પન જોશી મેમોરિયલ સ્કૂલના તેજસ્વી તારલાઓનું સન્માન
Read Full Story arrow_forward