Bharuch: જંબુસરમાં 3 વૉર્ડમાં ચાર EVMમાં ખામી સર્જાતા બદલવા પડયાં
જંબુસર નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં લગ્નસરાની મોસમ અને કાળઝાર ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ જળવાઇ રહ્યો હતો. આજે યોજાયેલ આ ચૂંટણી દરમિયાન વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. ગરમીના પ્રકોપથી બચવા માટે લોકો વહેલી સવારથી મતદાન માટે ઉપસ્થિત રહ્યા હતા.મતદાન દરમિયાન કેટલીક જગ્યાએ ઇવીએમ મશીનમાં ટેકનિકલ ખામીઓ સર્જાઈ હતી. તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન ઈસ્લામપુર ગામના મતદાન મથકે ઇવીએમ મશીન ખોટકાતા તેને તાત્કાલિક બદલવામાં આવ્યું હતું. ઉપરાંત, જંબુસર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના બુથ નંબર 3, વોર્ડ નંબર 3ના બુથ નંબર 1 અને 4 તેમજ વોર્ડ નંબર 6ના બુથ નંબર 1 પર ઇવીએમ મશીનમાં ખામી જણાતા તેને બદલીને મતદાન પુનઃ શરૂ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતની 22 બેઠકો માટે કુલ મતદારોમાંથી 40,726 પુરુષ અને 35,854 મહિલા મતદારો મતદાન કરતા સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 63.95 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે નગરપાલિકાની સાત વોર્ડની 28 બેઠકો માટે 10,564 પુરુષ અને 10,364 મહિલા મતદારો મતદાન કરતા કુલ 66.95 ટકા મતદાનનોંધાયું હતું. જેમાં સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 1માં 57.90 ટકા અને સૌથી વધુ વોર્ડ નંબર 6માં 76.14 ટકા નોંધાયું હતું. જિલ્લા પંચાયતની 4 બેઠક માટે સાંજના પાંચ વાગ્યા સુધીમાં 69.74 ટકા મતદાન નોંધાયુ હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward