Junagadh News: PGVCLની સપાટાબંધ કામગીરી, વીજ ચોરીના 66 કેસ ઝડપી 48 લાખ ફટકાર્યા
જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ચાલી આવતી ગેરકાયદેસર વીજ વપરાશ અને લાઇન લોસની સમસ્યાને ડામવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) એક્શન મોડમાં આવી છે. જૂનાગઢ સર્કલના કાર્યપાલક ઈજનેરની સૂચનાથી આજે વહેલી સવારથી જ શહેરમાં સઘન અને વ્યાપક વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેટ ડ્રાઇવ અંતર્ગત આચરેલી આ મોટી કાર્યવાહીને પગલે ગેરકાયદેસર રીતે લંગરિયા નાખીને કે મીટર સાથે ચેડાં કરી વીજચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.100 પોલીસ જવાનો અને 32 ટીમોનું મેગા ઓપરેશન કોઈપણ અનિચ્છનીય ઘટના ન ઘટે અને ચેકિંગ સ્ટાફ પર હુમલાની શક્યતાને નિવારવા માટે પીજીવીસીએલ દ્વારા આ વખતે કડક લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશન અને એસઆરપી (SRP) ના મળીને અંદાજે 100 જેટલા હથિયારધારી અને મહિલા પોલીસ જવાનોને ચેકિંગ ડ્રાઇવમાં સાથે રાખવામાં આવ્યા હતા. PGVCL ના નાયબ ઈજનેરો, જુનિયર ઈજનેરો અને લાઇન સ્ટાફની બનેલી કુલ 32 જેટલી હાઇટેક ટીમો જુદા-જુદા સંવેદનશીલ વિસ્તારોમાં એકસાથે ત્રાટકી હતી. 400 વીજ જોડાણોની ચકાસણી, 66 કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ દિવસભર ચાલેલા આ સઘન ચેકિંગ ઓપરેશન દરમિયાન અધિકારીઓ દ્વારા અંદાજે 400 જેટલા રહેણાંક, વાણિજ્યિક (કમર્શિયલ) અને અન્ય કેટેગરીના વીજ જોડાણોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મીટર બાયપાસ કરવા, ડાયરેક્ટ લાઈન લેવી અને મીટરમાં ગેરરીતિ આચરવાના કુલ 66 જેટલા કેસો રંગેહાથ ઝડપાયા હતા. લાઇનમેનો દ્વારા આ તમામ શંકાસ્પદ મીટરો કબજે કરી નવેસરથી કનેક્શન આપવાની પ્રક્રિયા કરાઈ હતી. 66 કેસમાં રૂ. 48 લાખનું પૂરક બિલ ફટકારાયું પીજીવીસીએલના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પકડાયેલા આ 66 કેસોના આધારે ઇલેક્ટ્રિસિટી એક્ટ અંતર્ગત ત્વરિત કાર્યવાહી કરીને કુલ રૂપિયા 48 લાખનું પૂરક આકલન (બિલ અને દંડ) ફટકારવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે ,કે જો આગામી દિવસોમાં આ દંડની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે, તો ગ્રાહકો સામે ફોજદારી ગુનો દાખલ કરી કાયદેસરની જેલભેગા કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પીજીવીસીએલની આ કડક ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ જાણવા મળ્યું છે. આ પણ વાંચો - Junagadh News: 47 આગાહીકારોએ ચોમાસાનું સચોટ અનુમાન કર્યું, જાણો આ વર્ષે કેટલા ટકા વરસાદની સંભાવના છે?
Read Full Story arrow_forward