android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: પોલીસની હાજરીમાં શખ્સે આપી 'ગોળી મારી દેવાની' ધમકી
calendar_today May 23, 2026

Ahmedabad News: પોલીસની હાજરીમાં શખ્સે આપી 'ગોળી મારી દેવાની' ધમકી

ગુજરાતના આર્થિક પાટનગર સમાન અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કોટ વિસ્તાર ગણાતા જમાલપુરમાં અસામાજિક તત્વો એટલા બેફામ બન્યા છે કે, હવે તેમને ખાખી વર્દીનો પણ કોઈ ડર રહ્યો નથી. જમાલપુર વિસ્તારમાં સલમાન નામના એક સ્થાનિક શખ્સે પોલીસ કર્મચારીઓની હાજરીમાં જ જાહેરમાં ગોળીઓ મારી દેવાની ધમકી આપી હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસની કામગીરી પર આંગળીઓ ચિંધાઈ રહી છે.પોલીસ હાજર હતી ને શખ્સ ધમકીઓ આપતો રહ્યો ઘટનાની મળતી માહિતી અનુસાર, જમાલપુર વિસ્તારમાં કોઈ બાબતે માથાકૂટ થતાં હવેલી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા માટે ત્યાં હાજર હતી, પરંતુ તે જ સમયે સ્થાનિક અસામાજિક તત્વ સલમાન ત્યાં ધસી આવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે તેમ, આ શખ્સ પોલીસની હાજરી હોવા છતાં કોઈ પણ જાતના ડર વગર સામેવાળા પક્ષને જાહેરમાં ગોળી મારી દેવાની વાતો અને ધમકીઓ આપી રહ્યો હતો. હવેલી પોલીસ મૂકપ્રેક્ષક બની હોવાનો આક્ષેપ આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે, જ્યારે સલમાન નામનો આ શખ્સ ખુલ્લેઆમ કાયદો હાથમાં લેવાની અને જીવથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર હવેલી પોલીસના જવાનો તેની સામે તાત્કાલિક કડક પગલાં લેવાના બદલે માત્ર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોતા ઉભા રહ્યા હતા. આરોપી સામે ઘટના સ્થળે જ કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરાતા અને પોલીસની ઢીલી નીતિના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થતાં ઉચ્ચ અધિકારીઓ એક્શનમાં જાહેરમાં પોલીસ પ્રોટેક્શન વચ્ચે ગુંડાગીરી આચરતો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકો અમદાવાદ પોલીસની કડક છબી સામે સવાલો ઉઠાવી રહ્યા છે કે, જો પોલીસ સામે જ ગુંડાઓ આવા બેફામ નિવેદનો આપશે, તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું? આ મામલે હવેલી પોલીસ પર નિષ્ક્રિયતાના ગંભીર આરોપો લાગ્યા બાદ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વાયરલ વીડિયોના આધારે તપાસના આદેશ આપી આરોપી સલમાન સામે કડક ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પણ વાંચો - Mumbai-Ahmedabad બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સાવલી શાફ્ટમાં 350 ટનના 'મેગા કટરહેડ'નું સફળ લેન્ડિંગ

Read Full Story arrow_forward
Ahmedabadમાં સગીરનું અપહરણ કરી મારકૂટ, મિત્રના ઝઘડામાં વચ્ચે પડવું ભારે પડ્યું
calendar_today May 23, 2026

Ahmedabadમાં સગીરનું અપહરણ કરી મારકૂટ, મિત્રના ઝઘડામાં વચ્ચે પડવું ભારે પડ્યું

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સગીરનું અપહરણ કરી તેની સાથે મારકૂટ કરવામાં આવી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. માહિતી મુજબ કેટલાક યુવકો બાઈકમાં તોડફોડ કરી રહ્યા હતા ત્યારે સગીર વચ્ચે પડ્યો હતો અને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન આરોપીઓ સગીર પર જ રોષે ભરાયા હતા. ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.અપહરણ કરી પટ્ટાથી માર માર્યાનો આક્ષેપ પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓએ સગીરને જબરદસ્તી પોતાની સાથે લઈ જઈ તેનું અપહરણ કર્યું હતું. બાદમાં એકાંત વિસ્તારમાં લઈ જઈ પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો. સગીરને ધમકાવી ડરાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં સગીરને શરીરના વિવિધ ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નરોડા ચાર માળિયા પાસે ઉતારી આરોપીઓ ફરાર મારકૂટ બાદ આરોપીઓ સગીરને નરોડા ચાર માળિયા વિસ્તારમાં ઉતારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સગીરે પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. નિકોલ પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ અપહરણ અને મારામારી સહિતના ગુનાઓ દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના CCTV ફૂટેજ અને ટેક્નિકલ પુરાવાના આધારે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Weather Update: આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં થઈ શકે છે વરસાદ
calendar_today May 23, 2026

Gujarat Weather Update: આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં થઈ શકે છે વરસાદ

ગુજરાતમાં ચાલી રહેલી કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે હવામાનમાં અચાનક મોટો પલટો આવવાની સંભાવના સેવાઈ રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 3 કલાક માટે તાકીદનું વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. આ બુલેટિન અનુસાર, રાજ્યના કેટલાક ભાગોમાં પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ પ્રિ-મોન્સૂન વરસાદ (માવઠું) પડવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં એલર્ટ હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ, સૌરાષ્ટ્ર પંથકમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે અને પવનની ગતિ વધી શકે છે. ખાસ કરીને ભાવનગર, રાજકોટ અને અમરેલી જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ સર્જાતા સ્થાનિક સ્તરે તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશોમાં માવઠાની આશંકા સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાત અને તેને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી કલાકોમાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી જિલ્લા તેમજ દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં ગાજવીજ સાથે પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. દરિયાકાંઠાના અને સરહદી વિસ્તારોમાં પવનની ગતિ તેજ રહેવાની શક્યતા છે. ખેડૂતો માટે ચિંતા સમાન સ્થિતિ મે મહિનાના અંતમાં અચાનક આવી રહેલા આ હવામાન પલટાના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ખુલ્લામાં રાખેલો પાક અથવા યાર્ડમાં પડેલી જણસોને નુકસાન ન થાય તે માટે ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી પવનો અને લોકલ સિસ્ટમ સક્રિય થવાના કારણે વાતાવરણમાં આ બદલાવ જોવા મળી રહ્યો છે, જોકે બાકીના જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું અને ગરમ રહેશે. આ પણ વાંચો - Gujarat Weather : સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ

Read Full Story arrow_forward