Surendranagar:કંડક્ટર ભરતીના સર્ટિફિકેટ માટે હજારો યુવક-યુવતીઓ કતારોમાં અટવાયા
ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટે શિક્ષિત યુવાનો કેવા સંઘર્ષો કરી રહ્યા છે, તેનો વધુ એક ચોંકાવનારો પુરાવો સુરેન્દ્રનગર શહેરમાંથી સામે આવ્યો છે. એસ.ટી. નિગમ (GSRTC) માં કંડક્ટરની ભરતી આવવાની હોવાથી, નિયમ મુજબ કંડક્ટર લાયસન્સ મેળવવા માટે 'ફર્સ્ટ એઇડ' (પ્રાથમિક સારવાર) નું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે. આ જ સર્ટિફિકેટ મેળવવા માટે આજે વહેલી સવારથી જ સુરેન્દ્રનગરના સર્ટિફિકેટ વિતરણ કેન્દ્ર ખાતે હજારોની સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા, જેને પગલે ભારે દોડધામ અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.વહેલી સવારથી કિલોમીટરો લાંબી લાઇનોસ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિગ્રીઓ હાથમાં લઈને ફરેલા ઉમેદવારો કંડક્ટરની નોકરી માટે પણ ફર્સ્ટ એઇડનું સર્ટિફિકેટ લેવા વહેલી સવારના ૪ વાગ્યાથી જ કેન્દ્રની બહાર લાઇનો લગાવીને ઊભા રહી ગયા હતા. કલાકો સુધી કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે ઊભા રહેવા છતાં વહીવટી પ્રક્રિયા અત્યંત ધીમી હોવાના કારણે ઉમેદવારોની ધીરજ ખૂટી હતી. રાજ્યમાં બેરોજગારીએ માઝા મૂકી હોવાના કારણે જ સામાન્ય ગણાતી આ ભરતી માટે પણ યુવાધનની આવી ભીડ જોવા મળી રહી છે.વ્યવસ્થાના નામે મીંડું, હોબાળો થવાની ભીતિભરતી પ્રક્રિયા શરૂ થવાની હોવાથી આટલી મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ સર્ટિફિકેટ લેવા આવશે તેની તંત્રને અગાઉથી જાણ હોવા છતાં, કેન્દ્ર પર પાણી, શેડ કે સુરક્ષા માટે કોઈ જ આગોતરું આયોજન કરવામાં આવ્યું નહોતું. તંત્રની આ નબળી વ્યવસ્થા અને લાલિયાવાડીના કારણે ઉમેદવારો વચ્ચે ભારે ધક્કામુક્કી થઈ હતી. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ભીડ બેકાબૂ બનતા ગમે ત્યારે કેન્દ્ર પર મોટો હોબાળો થવાની આશંકા સેવાઈ રહી છે. ઉમેદવારોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એકતરફ નોકરીઓ મળતી નથી અને બીજી તરફ જરૂરી સર્ટિફિકેટ મેળવવા માટે પણ અમારે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહીને વહીવટી તંત્રના ધક્કા ખાવા પડે છે.આ પણ વાંચો: Banaskantha: દારૂ છુપાવવા ટોઇંગ ક્રેનનો ઉપયોગ કર્યો, અમદાવાદ માલ પહોંચાડે તે પહેલા જ પોલીસે દબોચી
Read Full Story arrow_forward