Amreli : ડીઝલની અછત વચ્ચે પેટ્રોલ પંપો પર લાંબી લાઇનો, ખેડૂતોનો ચક્કાજામ
અમરેલી જિલ્લામાં ડીઝલની ભારે અછત સર્જાતા જગતના તાત ગણાતા ખેડૂતોની મુશ્કેલીઓમાં અસહ્ય વધારો થયો છે. છેલ્લા 5 દિવસથી ડીઝલ ન મળવાને કારણે કંટાળેલા ખેડૂતોનો રોષ આજે આખરે ફાટી નીકળ્યો હતો. રાજુલા-સાવરકુંડલા રોડ પર આવેલા પેટ્રોલપંપ પર વહેલી સવારથી જ ડીઝલ મેળવવા માટે ખેડૂતોની 1 કિલોમીટર સુધીની લાંબી લાઇનો જોવા મળી હતી. 40 ડિગ્રી જેટલા કાળઝાળ તાપમાન વચ્ચે કલાકો સુધી ઊભા રહેવા છતાં ડીઝલ ન મળતા ઉશ્કેરાયેલા ખેડૂતોએ હાઇવે પર ચક્કાજામ કરીને વહીવટી તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોડ સંપૂર્ણપણે બંધ કરી દીધો સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરો હાઇવે પર આડા ઊભા રાખીને રોડ સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને રોડની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા પાંચ દિવસથી તેઓ ડીઝલ માટે પંપના ચક્કર કાપી રહ્યા છે, પરંતુ તેમને માત્ર ધક્કા જ મળી રહ્યા છે. વર્તમાન સમયમાં ખેતીવાડીના કામો માટે ડીઝલ અત્યંત અનિવાર્ય હોવાથી, તેની અછતની સીધી અને મોટી અસર કૃષિ પ્રવૃત્તિઓ પર પડી રહી છે. ખેડૂતોમાં ભારે આક્રોશ આગામી ચોમાસાની સિઝન પૂર્વે ખેતર ખેડવા અને અન્ય તૈયારીઓ કરવા માટે ટ્રેક્ટરોમાં ડીઝલની તાતી જરૂરિયાત છે, ત્યારે જ પુરવઠો ખોરવાઈ જતાં ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ચક્કાજામની ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને વહીવટી અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ખેડૂતોને શાંત પાડી મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં તાત્કાલિક ધોરણે ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.આ પણ વાંચો---- Bhavnagar : સ્પાની આડમાં માનવ તસ્કરી કરતા પકડાયેલી શબાનાની 80 લાખની મિલકત પોલીસ જપ્ત કરશે
Read Full Story arrow_forward