Surat News: સહારા દરવાજા પાસે ખુરશી રિપેરિંગની દુકાનમાં ભીષણ આગ, સામાન બળીને ખાખ
સુરત શહેરમાં ફરી એકવાર આગ લાગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના સહારા દરવાજામાં આવેલી એનટીએમ માર્કેટની સામે એક દુકાનમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. 'ખાટું શ્યામ ખુરશી રિપેરિંગ' નામની એક દુકાનમાં આ આગ લાગી હતી. આ આગને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગના ધુમાડાના ગોટેગોટા હવામાં ઉડતા જોવા મળ્યા હતા.ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ આ આગની દુર્ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ માહિતી મળતાં જ વાહનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવીને આગ બઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો અને તેને આજુબાજુની અન્ય દુકાનોમાં ફેલાતી અટકાવી દીધી હતી. સદનસીબે જાનહાનિ ટળી, પરંતુ મોટું આર્થિક નુકસાન આ દુર્ઘટનામાં સૌથી રાહતની વાત એ રહી કે આગની ઝપેટમાં કોઈ વ્યક્તિ ન આવતાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી. જોકે, આગ એટલી વિકરાળ હતી કે ખુરશી રિપેરિંગની દુકાનમાં રાખેલો પ્લાસ્ટિક અને અન્ય તમામ સામાન બળીને સાવ ખાખ થઈ ગયો હતો, જેના કારણે દુકાન માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward