Ahmedabad: કણભા પોલીસ સ્ટેશનના ASI સહિત બે લાંચ લેતા પકડાયા
અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી દ્વારા શનિવારે છટકું ગોઠવી કણભા પોલીસ સ્ટેશનના અના. એએસઆઈ ભાવેશભાઈ લાભશંકર રાવલ તથા જીઆરડી સભ્ય કમલેશભાઈ ઉર્ફે રોબર્ટ વિનોદભાઈ બારોટને રૂ.30,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે ત્રીજો એક આરોપી જીઆરડી સભ્ય રણજીતભાઈ જશુભાઈ સોલંકી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો.વધુમાં મળતી માહિતી મુજબ દસ્ક્રોઈ તાલુકાના ધામતવાણ વિસ્તારમાં ફરિયાદીની કોસ્મેટિક વસ્તુઓ બનાવવાની ફેક્ટરી આવેલી છે. જ્યાં ગત તા.14મી મેના રોજ આરોપીઓ ફેક્ટરી ખાતે પહોંચી એક્સપાયર થયેલા માલસામાન પર નવી તારીખ છાપી વેચાણ કરતા હોવાનો આક્ષેપ કરી ફરિયાદી વિરુદ્ધ કેસ કરી જેલમાં મોકલવાની ધમકી આપી હતી. કેસ ન કરવા બદલ શરૂઆતમાં રૂ.2 લાખની માંગણી કરવામાં આવી હતી, જે બાદ રકઝકના અંતે રૂ.30 હજાર લાંચ આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એસીબી શાખાનો સંપર્ક કર્યો હતો. જેના આધારે એસીબી દ્વારા બાકરોલ પોલીસ ચોકીના કમ્પાઉન્ડમાં ફરિયાદીની કારમાં ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપી ભાવેશભાઈએ ફોન કરી લાંચની રકમ કમલેશભાઈને આપવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કમલેશભાઈએ લાંચની માંગણી કરી રૂ. 30 હજાર સ્વીકારતા એસીબીની ટીમે બંને આરોપીઓને ઝડપી પાડયા હતા. આ સમગ્ર કામગીરી અમદાવાદ ગ્રામ્ય એસીબીના પોલીસ ઇન્સપેક્ટર ડી.બી. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward