Banaskantha: સોતમલા-મોટી ધરનાળ વચ્ચેના કાચા રસ્તાને ડામર રોડ બનાવો
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ અનેક અંતરિયાળ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, ત્યારે સોતમલાથી મોટી ધરનાળ ગામને જોડતા કાચા રસ્તાને પાકો બનાવવા માટે સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે. આ રસ્તો માત્ર બે ગામોને જોડતો માર્ગ નથી, પરંતુ હજારો વાહનચાલકો માટે સમય અને ઈંધણ બચાવનારો એક મહત્વપૂર્ણ ટૂંકો માર્ગ સાબિત થઈ શકે તેમ છે. જો સોતમલાથી મોટી ધરનાળ સુધીનો આ કાચો રસ્તો ડામર રોડ બનાવવામાં આવે, તો વાહનચાલકોને ભીલડી શહેરના ગીચ ટ્રાફ્કિ અને સોયલા ફટક પર થતી હેરાનગતિમાંથી કાયમી છૂટકારો મળી શકે છે. આ રસ્તા પર રેલવે નાળું આવેલું હોવાથી, વાહનો કોઈ પણ અવરોધ વિના પસાર થઈ શકે તેમ છે, જે રેલવે ક્રોસિંગ પર વેડફતો સમય બચી શકે છે. આ બાબતે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા આ માર્ગને પાકો કરવા માટે અગાઉ પણ જરૂરી ઠરાવો કરવામાં આવ્યા છે. ગ્રામજનો દ્વારા ઉચ્ચ સ્તરે લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં, હજુ સુધી આ દિશામાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ચોમાસા દરમિયાન આ કાચા રસ્તા પરથી પસાર થવું દુષ્કર બની જાય છે, જેના કારણે ઈમરજન્સી સેવાઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. હાલમાં સોતમલા અને મોટી ધરનાળના ગ્રામજનો એકસૂરે માંગ કરી રહ્યા છે કે, વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તાને મંજૂરી આપી ડામર રોડ બનાવવામાં આવે, જેથી વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને વેગ મળી શકે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward