Ahmedabad: ધોલેરામાં ખેડૂતોના હક્કો પર ફરી ઘા, આક્રોશ
ધોલેરા એસ.આઈ.આર વિસ્તારમાં સરકાર દ્વારા વર્ષો પહેલા સંપાદિત કરાયેલ આશરે 300 જેટલા સર્વે નંબરોની જમીનોને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. સરકાર દ્વારા સંપાદિત કરાયેલ જમીન મામલે અનેક ખેડૂતો દ્વારા કાનૂની લડત ચલાવવામાં આવી રહી છે અને ગુજરાત મહેસૂલ પંચમાં કેસ નંબર 444/2018 હાલ પણ પેન્ડિંગ છે. આવા સંજોગોમાં ધોલેરા એસ.આઈ.આર ઓથોરિટી દ્વારા ટીપી-2 બી-3 હેઠળના ફાઇનલ પ્લોટોના કબજા ખેડૂતોને સોંપવાની કાર્યવાહી હાથ ધરાતા ખેડૂતોમાં અસંતોષ વ્યાપ્યો છે.ખેડૂતોનો આક્ષેપ છે કે આશરે 16 થી 17 ખેડૂતોને ફળવવામાં આવેલા ફાઇનલ પ્લોટો વિવાદિત જમીનમાં આવેલ છે. આ જમીનો અંગે મૂળભૂત ખેડૂત ખાતેદારોના કેસો હજુ નિકાલ પામ્યા નથી. વધુમાં, આ જ વિવાદિત જમીનમાંથી વર્ષો દરમિયાન માટીની ગેરકાયદેસર ચોરી થતાં આશરે 15 થી 20 ફૂટ જેટલા ઊંડા વિશાળ ખાડાઓ પડી ગયા છે. આવા જોખમી અને ઉપયોગ લાયક ન રહેલા વિસ્તારમાં ખેડૂતોને પ્લોટ ફળવવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફટી નીકળ્યો છે. ધોલેરા એસ.આઈ.આર ગામોના ખેડૂતો દ્વારા રચાયેલ ક્ષ્ખેડૂત હિત રક્ષક સમિતિ, ધોલેરા એસ.આઈ.આરખ્ દ્વારા ગત સપ્ટેમ્બર 2024થી સતત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે. સમિતિનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર અને ઓથોરિટી દ્વારા ખેડૂતોની વાજબી માંગણીઓ અને મુશ્કેલીઓ પ્રત્યે કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી. આજે ઓથોરિટી દ્વારા ફાઇનલ પ્લોટોના કબજા સોંપવાની કાર્યવાહી દરમિયાન ખેડૂતો અને ખેડૂત હિત રક્ષક સમિતિએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો દ્વારા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યાં સુધી વિવાદિત જમીન મુદ્દે યોગ્ય અને ન્યાયસંગત નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ કોઈપણ પ્રકારનો કબજો સ્વીકારશે નહીં. સમિતિએ અરજીમાં અનેક ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા હોવાનું જણાવી જણાવ્યું હતું કે ખેડૂતોને જોખમી અને વિવાદિત જમીનમાં ધકેલવાના પ્રયાસો બંધ કરવામાં આવે અને કોર્ટ તથા મહેસૂલ પંચમાં પેન્ડિંગ કેસોના અંતિમ નિર્ણય સુધી કોઈપણ પ્રકારની જબરદસ્તી કાર્યવાહી રોકવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે વિકાસના નામે ખેડૂતોના હક્કો અને જીવન સાથે અન્યાય ન થવો જોઈએ. સરકાર ખેડૂતોની વેદના સમજી યોગ્ય સમાધાન લાવશે તેવી આશા સાથે ખેડૂતો હાલ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward