Mahisagarની ગંધારી ચોકડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, પતિ-પત્નીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલી ગંધારી ચોકડી પાસે આજે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. એક પૂરઝડપે અને બેફામ રીતે આવી રહેલી ઈકો ગાડીના ચાલકે દંપતીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકોની અડફેટે આવેલા પતિ-પત્ની બંનેના ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યા હતા.પૂજા-પાઠ કરી જીવન નિર્વાહ કરતા દંપતીનું નિધન આ અકસ્માતમાં જાન ગુમાવનાર મૃતકોની ઓળખ ગિરીશભાઈ સેવક અને રીટાબેન સેવક તરીકે થઈ છે. આ દંપતી ત્રાકડી મંદિર ખાતે પૂજા-પાઠ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતું હતું. મંદિરથી પરત ફરતી વખતે કે માર્ગ પરથી પસાર થતી વખતે કાળ બનીને આવેલી ઈકો ગાડીએ તેમનો માળો વિખેરી નાખ્યો છે. આ ઘટનાને પગલે સેવક પરિવાર અને ગ્રામજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ચાલક ફરાર: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ અકસ્માત સર્જ્યા બાદ ઈકો ગાડીનો ચાલક માનવતા નેવે મૂકીને વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરતા દંપતીને વીરપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. વીરપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ઈકો ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. એકસાથે પતિ-પત્નીના મોતના સમાચારથી હોસ્પિટલ ખાતે પરિવારના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward