Somnathનો કાયાકલ્પ: દૈનિક હજારો શ્રદ્ધાળુઓ માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મળશે આ આધુનિક સુવિધાઓ
ભારતના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મંદિરનો ઈતિહાસ અત્યંત ગૌરવશાળી રહ્યો છે. આઝાદીના અમૃત કાળમાં સોમનાથ મંદિર પોતાની વિરાસતને જાળવી રાખીને આધુનિકતા તરફ મક્કમ ડગ માંડી રહ્યું છે. છેલ્લા બે દાયકાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેના તેમના માર્ગદર્શનમાં આ પવિત્ર ધામ ‘સુવર્ણ યુગ’માં પ્રવેશ્યું છે. આજે સોમનાથ માત્ર એક ધાર્મિક કેન્દ્ર જ નહીં, પરંતુ આધ્યાત્મિકતા અને આધુનિક વિકાસનો સમન્વય ધરાવતું વૈશ્વિક પ્રવાસનધામ બન્યું છે.આધુનિક સુવિધાઓ અને પરિવહનનો વેગ સોમનાથ ખાતે દર વર્ષે અંદાજે 97 લાખ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, જ્યારે દૈનિક ધોરણે આ સંખ્યા 25 હજારથી વધુ રહે છે. મુસાફરોની આ સુવિધા માટે જેતપુર-સોમનાથ ફોર લેન હાઇવેને 828 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ દ્વારા અમદાવાદથી કનેક્ટિવિટી ઝડપી બની છે. સાથોસાથ કેશોદ અને રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કારણે વિદેશી પ્રવાસીઓ માટે પણ સોમનાથ પહોંચવું અત્યંત સુલભ બન્યું છે. શ્રદ્ધાળુઓને રહેવા માટે સાગર દર્શન અતિથિગૃહ અને આધુનિક સર્કિટ હાઉસ જેવી ઉત્તમ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણો મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક નૂતન આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. સમુદ્ર દર્શન પથ પર હનુમાનજીની 16 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા અને 202 મારુતિ હાટ પ્રવાસીઓને આકર્ષે છે. છેલ્લા 3 વર્ષમાં 10 લાખથી વધુ લોકોએ સોમનાથની ગાથા વર્ણવતા અત્યાધુનિક ‘લાઇટ એન્ડ સાઉન્ડ શો’નો આનંદ લીધો છે. વધુમાં, મહાદેવને અર્પણ કરાયેલા ગંગાજળને ફિલ્ટર કરીને ‘સોમગંગા’ પ્રસાદ રૂપે શ્રદ્ધાળુઓને વિતરિત કરવામાં આવે છે. પર્યાવરણ જાળવણી અને નેટ-ઝીરો મંદિરની પહેલ સોમનાથ મંદિર આજે ટકાઉ વિકાસ (Sustainable Development) નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. 2018માં ‘સ્વચ્છ આઇકોનિક પ્લેસ’ તરીકે ઓળખ મેળવનાર સોમનાથ હવે નેટ-ઝીરો મંદિર બનવાની દિશામાં અગ્રેસર છે: વેસ્ટ મેનેજમેન્ટ: મંદિરના ફૂલોમાંથી વર્મીકમ્પોસ્ટ બનાવી 1700 બિલ્વ વૃક્ષોનું સંવર્ધન કરવામાં આવે છે. પ્લાસ્ટિક મુક્તિ: મિશન LiFE હેઠળ પ્લાસ્ટિક કચરા અને ફ્લાય એશમાંથી પેવર બ્લોક્સ બનાવવામાં આવે છે. જળ સંચય: ગટરના પાણીને શુદ્ધ કરવા માટે આઠ પ્લાન્ટ કાર્યરત છે, જેના દ્વારા 20.53 કરોડ લિટર પાણી ફિલ્ટર કરી બગીચા અને ખેતી માટે વાપરવામાં આવે છે. મિયાવાકી વન: 72000 ચોરસ ફૂટમાં 7200 વૃક્ષો સાથેનું મિયાવાકી જંગલ દરિયાઈ પવનો સામે રક્ષણ આપે છે. ડિજિટલ સેવાઓ અને ઓનલાઇન સુવિધા ટેકનોલોજીના ઉપયોગથી સોમનાથ ટ્રસ્ટે દેશ-વિદેશના ભક્તો માટે દર્શન અને પૂજા વિધિ સરળ બનાવી છે. શ્રદ્ધાળુઓ ઘરે બેઠા જ લાઈવ દર્શન, આરતી, સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા અને રુદ્રાભિષેકનું ઓનલાઇન બુકિંગ કરી શકે છે. આ ઉપરાંત પ્રસાદ, ચાંદીના સિક્કા, વસ્ત્ર પ્રસાદી અને સાડી જેવી વસ્તુઓ પણ ઓનલાઇન મંગાવી શકાય છે. ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રવાસન સ્થળો, હેરીટેજ વોક અને મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આમ, વિરાસતથી વિકાસની આ 75 વર્ષની યાત્રામાં સોમનાથ મંદિર પોતાની દિવ્યતા અને પવિત્રતા સાથે વિશ્વભરના પ્રવાસીઓ માટે આસ્થા અને પ્રગતિનું પ્રતીક બન્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward