Kheda News: ન્યાયિક પ્રક્રિયામાં આવશે ઝડપ; 26 સરકારી વકીલોને સ્માર્ટફોનનું વિતરણ કરાયું
ખેડા જિલ્લામાં ન્યાયિક પ્રક્રિયાને વધુ વેગવંતી અને પારદર્શક બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ન્યાય’ અભિયાન અંતર્ગત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના 26 જેટલા સરકારી વકીલોને અત્યાધુનિક સ્માર્ટ મોબાઈલ ફોનનું વિતરણ કરવામાં આવ્યું છે. મુખ્ય સરકારી વકીલ દ્વારા આ મોબાઈલ સેટ્સ એનાયત કરવામાં આવ્યા હતા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી વકીલોને ટેકનોલોજીથી સજ્જ કરી અદાલતી કામગીરીમાં ઝડપ લાવવાનો અને પેપરલેસ ન્યાય પ્રણાલીને પ્રોત્સાહન આપવાનો છે.પોલીસ, કોર્ટ અને જેલનું થશે સીધું જોડાણ આ સ્માર્ટફોન ‘ઇન્ટર ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ’ (ICJS) પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવ્યા છે. આ સિસ્ટમ લાગુ થવાથી હવે પોલીસ, કોર્ટ અને જેલ એકબીજા સાથે ડિજિટલી કનેક્ટ થશે. સરકારી વકીલો આ સ્માર્ટ ઉપકરણોના માધ્યમથી તપાસની વિગતો, પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ અને અન્ય મહત્વના દસ્તાવેજો સીધા જ જોઈ શકશે. આ જોડાણથી કાયદાકીય પ્રક્રિયામાં થતો સમયનો વ્યય ઘટશે અને ગુનાહિત ન્યાય પ્રણાલીમાં સંકલન વધુ મજબૂત બનશે. કેદીઓની માહિતી હવે આંગળીના ટેરવે નવા સ્માર્ટ મોબાઈલ મળવાને કારણે સરકારી વકીલોને અનેક સુવિધાઓ પ્રાપ્ત થશે. હવે વકીલોને ફોરેન્સિક લેબના રિપોર્ટ અને કોર્ટની આગામી મુદતોનો સીધો એક્સેસ મળશે, જેથી કેસની તૈયારી કરવામાં સરળતા રહેશે. આ ઉપરાંત, જેલમાં રહેલા કેદીઓની માહિતી અને તેમની સજાની સ્થિતિ પણ સરળતાથી જાણી શકાશે. આ સ્માર્ટ કદમથી ખેડા જિલ્લામાં કેસોનો ઝડપી નિકાલ થશે અને ન્યાયિક વહીવટમાં પારદર્શિતા વધશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward