Ahmedabad: અમદાવાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ
અમદાવાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થનાર હોવાથી ચૂંટણી પ્રક્રિયાનો ઔપચારિક પ્રારંભ થઈ ચૂક્યો છે. જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો માટે ચૂંટણી યોજાશે. સાથે સાથે જિલ્લાના 9 તાલુકા પંચાયત - ધંધૂકા, ધોલેરા, બાવળા, ધોળકા, સાણંદ, વિરમગામ, માંડલ, દેત્રોજ અને દસ્ક્રોઈ તાલુકા પંચાયતોમાં પણ ચૂંટણી યોજાનાર છે. તે ઉપરાંત જિલ્લાના વિરમગામ, ધોળકા અને બારેજા નગરપાલિકાની ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે અને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જાહેરનામું 6 એપ્રિલે પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ રાખવામાં આવી છે, જ્યારે ફોર્મ ચકાસણી 13 એપ્રિલે કરવામાં આવશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ રહેશે. મતદાન 26 એપ્રિલે યોજાશે અને 28 એપ્રિલે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં અંદાજે 8.50 લાખ જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા સ્તરની આ ચૂંટણી સ્થાનિક સ્વરાજ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચૂંટણી જાહેર થતા જ જિલ્લા ગ્રામ્યમાં રાજકીય માહોલ જામ્યો છે અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર, બેઠકઓ અને સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward