Sayla: નડાળા સીમની વાડીમાં બાજરીના વાવેતરની આડમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ
સાયલા તાલુકાના અંતરિયાળ નડાળા ગામની સીમમાં એક વાડીમાં દેશી દારૂ ગાળવા માટેની ભઠ્ઠી ચાલી રહી હોવાની માહિતીના આધારે ધજાળા પોલીસની ટીમ દ્વારા કરાયેલ ઓચિંતા દરોડામાં ખેતરમાં કરાયેલ બાજરીના વાવેતરની આડમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ ગઈ હતી. પોલીસને દરોડા સ્થળેથી પ્લાસ્ટિકની થેલીઓ માં ભરેલ પચાસ લીટર દેશી દારૂ, ત્રેવીસ બેરલમાં ભરેલો 4600 લીટર જેટલો આથો સહિત 1.25 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. વાડીમાં ખેતીની આડમાં કરાતા કારસ્તાન મામલે તંત્રે તપાસ કરતા આ દારૂની ભઠ્ઠી વાડી માલીક નડાળા ગામનો કાળુ માણસીભાઇ ખવડ તથા બોટાદ જિલ્લાના મોટા છૈડા ગામનો કરણ દિનેશભાઇ ચાવડા ભાગમાં ચલાવતા હોવાની વિગતો ખુલવા પામી હતી.દરોડા સમયે પોલીસની ગંધ પારખી આરોપીઓ અગાઉથી છુમંતર થઈ જવામાં સફ્ળ રહ્યા હતા ત્યારે તંત્ર દ્વારા બન્ને બૂટલેગરો સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નડાળા, દેવગઢ ની સીમ માંથી તેમજ ગામની નજીક આવેલ ભાદર નદીના પટમાંથી અનેક વખત ગેરકાયદેસર ચાલતી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઇ ચૂકી છે. ત્યારે ફરી એક વખત દેશી ઉત્પાદન કેન્દ્રનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward