Surat : દક્ષિણ ગુજરાતમાં ખાંડ ઉદ્યોગ પર સંકટ, શેરડીના ઉત્પાદનમાં જંગી ઘટાડો ,31 માર્ચે જાહેર થશે ભાવ
દક્ષિણ ગુજરાતની સમૃદ્ધિનો આધાર ગણાતો સુગર ઉદ્યોગ હાલમાં કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે. ચાલુ વર્ષે પ્રતિકૂળ હવામાન અને અતિવૃષ્ટિને કારણે શેરડીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાતા સુગર મિલો પોતાના નિર્ધારિત લક્ષ્યાંકો સિદ્ધ કરી શકી નથી. બીજી તરફ, વૈશ્વિક યુદ્ધની અસરોને કારણે ખાંડ બનાવવા માટે વપરાતા કેમિકલ અને સલ્ફરના ભાવમાં ધરખમ વધારો થતા મિલોની આર્થિક સ્થિતિ કફોડી બની છે.ઉત્પાદનમાં 40% સુધીનો ઘટાડો ખેડૂતોના જણાવ્યા મુજબ, ગત વર્ષે એક વીઘા દીઠ સરેરાશ 25 થી 35 ટન શેરડીનો ઉતારો આવતો હતો, જે આ વર્ષે ઘટીને માત્ર 15 થી 20 ટન રહી ગયો છે. ખર્ચમાં વધારો અને ઉત્પાદનમાં ઘટાડાને કારણે ખેડૂતો હવે સુગર મિલો પાસે ગત વર્ષ કરતા ટન દીઠ રૂ. 200 થી 250 વધુ ભાવ મળે તેવી આશા રાખી રહ્યા છે. જોકે, સુગર મિલો પોતે વધતા જતા પ્રોસેસિંગ ખર્ચથી પરેશાન છે. લક્ષ્યાંક સિદ્ધ કરવામાં મિલો નિષ્ફળ દક્ષિણ ગુજરાતની અગ્રણી સુગર ફેક્ટરીઓની સ્થિતિ જોઈએ તો સાયણ સુગર: 9 લાખ મેટ્રિક ટનના લક્ષ્યાંક સામે માત્ર 7.89 લાખ ટન પિલાણ થયું છે (ગત વર્ષ કરતા 1.17 લાખ ટન ઓછું) અને કામરેજ સુગર 5 લાખ મેટ્રિક ટનના લક્ષ્યાંક સામે માત્ર 4.70 લાખ ટન સુધી પહોંચી શકી છે. કેમિકલના ભાવ વધારાની અસર ગુજરાત સુગર ફેડરેશનની મિટિંગમાં ખાંડની સ્ટોક વેલ્યુ રૂ. 3600 થી વધારીને રૂ. 3700 કરવામાં આવી છે, જેનો આંશિક ફાયદો ખેડૂતોને મળી શકે છે. પરંતુ, રશિયા-યુક્રેન કે અન્ય વૈશ્વિક યુદ્ધની સ્થિતિને લીધે કેમિકલ અને સલ્ફરના ભાવ આસમાને પહોંચ્યા છે. આ વધારાના ખર્ચને કારણે મિલો ખેડૂતોને અપેક્ષિત ભાવ આપી શકશે કે કેમ તે અંગે આશંકા સેવાઈ રહી છે. 31 માર્ચે સુગર મિલો શેરડીના અંતિમ ભાવ જાહેર કરશે આગામી 31 માર્ચના રોજ જ્યારે સુગર મિલો શેરડીના અંતિમ ભાવ જાહેર કરશે, ત્યારે ખબર પડશે કે ખેડૂતોને તેમના પરસેવાનું યોગ્ય વળતર મળે છે કે પછી મોંઘવારીનો વધુ એક માર સહન કરવો પડે છે.આ પણ વાંચો---- Kutch : સારા સમાચાર, સાઉદીથી 48,000 ટન LPG ભરેલું વિશાળ જહાજ AL AIN રવિવારે મુંદ્રા પોર્ટ પહોંચશે
Read Full Story arrow_forward