Navsari : ચીખલી નેશનલ હાઇવે-48 પર ચાર ટ્રકો વચ્ચે સર્જાયો અકસ્માત, ડાયવર્ઝનને પગલે અરાજકતા, ટ્રાફિક જામ
નવસારી જિલ્લાના ચીખલી પાસેથી પસાર થતા નેશનલ હાઇવે-48 પર આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મુંબઈથી અમદાવાદ તરફ જતી લેન પર તથ્ય ફાર્મસી કોલેજ પાસે એકસાથે ચાર ટ્રકો એકબીજા સાથે અથડાતા હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.ડાયવર્ઝન બન્યું અકસ્માતનું કારણ મળતી માહિતી મુજબ, આલીપોર ઓવરબ્રિજ નીચે હાલમાં પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામકાજને કારણે હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. ડાયવર્ઝનને પગલે નેશનલ હાઇવેના વચ્ચેના કટ પાસેથી જ્યારે ભારે વાહનો રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવતી ચાર ટ્રકો એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટ્રાફિક જામ અને પોલીસ કાર્યવાહી હાઈવેની મુખ્ય લેન પર એકસાથે ચાર વાહનો અથડાવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતની જાણ થતા જ ચીખલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રકોને રોડની બાજુ પર ખસેડી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. કોઈપણ ડ્રાઈવર કે ક્લીનરને ગંભીર ઈજા ન પહોંચતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો--- Bardoli માં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બિયર પીનારા બુટલેગરના પુત્રની ધરપકડ, આયોજકો પણ પોલીસ રડારમાં
Read Full Story arrow_forward