Kutch News : કચ્છમાં એક દાયકા બાદ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ' ઘોરાડના બચ્ચાનો જન્મ થયો
કચ્છના અબડાસા વિસ્તારમાં એક દાયકાના લાંબા અંતરાલ બાદ 'ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ' -ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે તે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું. વાઇલ્ડ લાઇફ ડિવિઝનના અધિકારીઓની કામગીરીની પ્રશંસા વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતાં કહ્યું કે,ગુજરાત વન વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાસલ કરી છે.આ સિદ્ધિ બદલ વાઇલ્ડ લાઇફ ડિવિઝનના અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરીને આ અભિયાનને સફળ બનાવવા સૌને અભિનંદન આપ્યા હતા. અત્યાધુનિક સંરક્ષણ પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે આ સફળતા બદલ કેન્દ્રીય વન- પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પર્યાવરણ મંત્રાલય,ગુજરાત, રાજસ્થાન અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII)ના સંયુક્ત પ્રયાસોને બિરદાવીને એક્સ પર માહિતી આપીને અભિનંદન પાઠવ્યા હતા.વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો જણાવ્યું હતું કે,આ સફળતા પાછળ 'જમ્પસ્ટાર્ટ એપ્રોચ' (Jumpstart Approach) નામની અત્યાધુનિક સંરક્ષણ પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે. પૃષ્ઠભૂમિ અને પ્રોજેક્ટ GIB વર્ષ ૨૦૧૧માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘોરાડ પક્ષીઓના કુદરતી રહેઠાણોના સંરક્ષણ માટે રજૂ કરવામાં આવેલા વિઝનને અનુરૂપ વર્ષ ૨૦૧૬માં 'પ્રોજેક્ટ GIB' શરૂ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનના સેમ (Sam) અને રામદેવરા ખાતે સ્થાપિત બ્રીડિંગ સેન્ટરોમાં પક્ષીઓની સંખ્યા વધીને હવે ૭૩ સુધી પહોંચી છે. કેવી રીતે મળી સફળતા ? (ઓપરેશન એગ ટ્રાન્સફર) કચ્છમાં ઘોરાડની વસ્તીમાં નર પક્ષીઓની ગેરહાજરીને કારણે માદા ઘોરાડ ઈંડા તો મૂકતી હતી, પરંતુ તે અફલિત (Infertile) રહેતા હતા. આ સમસ્યાના ઉકેલ માટે એક સાહસિક અભિયાન હાથ ધરાયું. ટ્રાન્સ-સ્ટેટ મુસાફરી રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત (Fertile) ઈંડું લેવામાં આવ્યું.પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં આ ઈંડાને ૧૯ કલાક સુધી સતત રોડ માર્ગે મુસાફરી કરાવીને સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું હતું. નેસ્ટ રિપ્લેસમેન્ટ તા. ૨૨ માર્ચના રોજ કચ્છની માદા ઘોરાડના માળામાં રહેલા અફલિત ઈંડાને બદલે આ ફલિત ઈંડું મૂકવામાં આવ્યું.માદા ઘોરાડ દ્વારા આ ઈંડાનું કુદરતી રીતે સેવન કરવામાં આવ્યું અને તા. ૨૬ માર્ચના રોજ તેમાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો. ભવિષ્યનું આયોજન હાલમાં ફિલ્ડ મોનિટરિંગ ટીમ દ્વારા માદા ઘોરાડ અને તેના બચ્ચાનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.વૈજ્ઞાનિકો, વન વિભાગના અધિકારીઓ અને વન્યજીવ પ્રેમીઓ માટે આ એક ગર્વની ક્ષણ છે, જે ભારતના વન્ય જીવ પર્યાવરણ જતનના સંકલ્પને વધુ દ્રઢ બનાવે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું. આ પણ વાંચો : Gandhinagar News : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના વિતરણને લઈ બેઠક યોજાઈ
Read Full Story arrow_forward