વેજળકાના લેન્ડ ગ્રેબીંગ કેસનો ફરાર આરોપી મોરબીથી પકડાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડા તાલુકાના વેજળકા ગામે સરકારે વર્ષ 2016માં પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવા જમીન ફાળવી હતી. આ જમીનનો ગ્રામ પંચાયતના આકરણી રજીસ્ટરની નકલના આધારે વર્ષ 2024માં દસ્તાવેજ થઈ ગયો હતો. આ અંગે ચુડા ઈન્ચાર્જ ટીડીઓએ 4 આરોપીઓ સામે ગત ઓકટોબર-2025માં ચુડા પોલીસ મથકે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ફરાર આરોપીને એસઓજી ટીમે મોરબીમાંથી ઝડપી લીધો છે.ચૂડા તાલુકાના વેજળકા ગામે સરકારે પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવા તા. 19-7-16ના રોજ જમીન ફાળવી હતી. આ જમીનનો 25-11-16ના રોજ તાલુકા હેલ્થ ઓફીસને કબજો પણ અપાયો હતો. તેમ છતાં ગામના જશા પોપટભાઈ ધરજીયા, મધા પોપટભાઈ ધરજીયા, અરવિંદ મધાભાઈ ધરજીયા અને જુગલબેન મેહુલભાઈ ધરજીયાએ આ જમીન પૈકીની જમીનનો 24-1-24ના રોજ વેજળકા ગ્રામ પંચાયતના આકરણી રજીસ્ટરની નકલના આધારે રજીસ્ટર દસ્તાવેજ કરી લીધો હતો. તેમના દસ્તાવેજ થયા પહેલા આ જમીન સરકારે પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવા ફાળવી હોવાનું તેઓને સમજુતી કરવા છતાં તેઓ જમીનનો કબજો સોંપતા ન હતા. આથી આ અંગે ચુડા ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધીકારી એ.એલ.ટમાલીયાએ મહિલા સહિત ચારેય આરોપીઓ સામે ચુડા પોલીસ મથકે ગત ઓકટોબર-2025માં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસનો આરોપી અરવિંદ ધરજીયા પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આ દરમીયાન એસઓજી ટીમના કુલદીપસિંહ ગોહીલને આ શખ્સ મોરબીના લાલપરમાં ભાડાનું મકાન રાખી રહેતો હોવાની બાતમી મળી હતી. આથી એસઓજી પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી સ્ટાફે લાલપરમાં રેડ કરી 25 વર્ષીય અરવિંદ મઘાભાઈ ધરજીયાને ઝડપી લઈ ચુડા પોલીસના હવાલે કર્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward