Bodeli: હિંડોળા મહોત્સવ, પવિત્રા અંગીકાર, વચનામૃતનો ત્રિવેણી સંગમ
સમસ્ત બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા આજનો લ્હાવો લઈજીએ, કાલ કોને દીઠી રે...ની ભાવના સાથે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલીનરેશ ડો. વાગીશ કુમાર મહારાજની મંગલમય ઉપસ્થિતિમાં હિંડોળા મહોત્સવ, પવિત્રા અંગીકાર અને વચનામૃતનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે વૈષ્ણવ સમાજ દ્વારા ડો. વાગીશ કુમાર મહારાજનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સજાવટ કરાયેલા હિંડોળામાં પ્રભુને ઝુલાવવામાં આવ્યા હતા તેમજ આરતી કરવામાં આવી હતી. વૈષ્ણવો દ્વારા મહારાજને પણ શણગારેલા હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા.પવિત્ર એકાદશીની પરંપરા અનુસાર વૈષ્ણવોએ પવિત્રા અંગીકાર કર્યા હતા. આ પ્રસંગે ડો. વાગીશ કુમાર મહારાજે જણાવ્યું હતું કે, આદિ-અનાદિકાળથી ચાલી આવતી પવિત્ર એકાદશીની પરંપરાનું પુષ્ટિ સંપ્રદાયમાં વિશેષ મહત્વ છે. તેમણે પવિત્રાના વિવિધ પ્રકારો અંગે માહિતી આપતાં સુતર, રેશમ અને ઝરીના પવિત્રાનું ધાર્મિક મહત્વ સમજાવ્યું હતું.વૈષ્ણવો દ્વારા હાથોહાથ પવિત્રા અંગીકાર કરવામાં આવ્યા હતા અને સમગ્ર બોડેલી વ્રજભૂમિ જેવો ભક્તિમય માહોલ સર્જાયો હતો. કીર્તનકારોએ વિવિધ કીર્તનોની રમઝટ બોલાવી વૈષ્ણવોને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા આયોજિત આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો. અંતે ડો. વાગીશકુમાર મહારાજે પૂર્વ પટ્ટીના તમામ વૈષ્ણવ સૃષ્ટિને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward