Surendranagar:ડબ્બા ટ્રેડિંગ ચલાવનાર પોલીસ કર્મી સામે વધુ 1 ફરિયાદ
સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારની રામેશ્વર ટાઉનશીપમાં રહેતા પોલીસ કર્મીના રહેણાક મકાનમાં ડબ્બા ટ્રેડીંગની બાતમીને આધારે રેન્જની ટીમે તા. 5-8-26ના રોજ રેડ કરી હતી. જેમાં પોલીસ કર્મીના પિતા સહિત 6 આરોપીઓને રૂપીયા 3 લાખથી વધુની મત્તા સાથે ઝડપાયા હતા. આ બનાવમાં મળી આવેલ મોબાઈલની તપાસમાં રામપરાના વ્યકિતના નામે બોગસ સીમકાર્ડ લેવાયુ હોવાનું ખુલતા એ ડીવીઝન પોલીસ મથકે પોલીસ કર્મી સહિતનાઓ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે.રાજકોટ રેન્જની ટીમે તા. 5-8ના રોજ રતનપરની રામેશ્વર ટાઉનશીપમાં રહેતા પોલીસ કર્મી સંજય નાથુભાઈ રાઠોડના રહેણાક મકાને રેડ કરી હતી. જેમાં શેરના વધ-ઘટ થતા ભાવો પર ડબ્બા ટ્રેડીંગનો જુગારનો પર્દાફાશ કરી પોલીસે દિવ્યરાજસિંહ વનરાજસિંહ ચુડાસમા, વિપુલ કરશનભાઈ સીંધવ, અરૂણ મહેન્દ્રભાઈ કોઠારી, દલસુખ કરશનભાઈ સીંધવ, વિજય ગોવિંદભાઈ દેત્રોજા અને પોલીસ કર્મી સંજયના પિતા નાથુભા કાનાભા રાઠોડને 10 લેપટોપ, 29 મોબાઈલ ફોન, રૂપીયા 13,900 રોકડા, ચાર્જર, વાઈફાઈ, પેનડ્રાઈવ અને સોદા લખેલ 13 નોટબુક સહિત રૂપીયા 3,07,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે ઝડપાયેલા 6 આરોપીઓ ઉપરાંત પોલીસ કર્મી સંજય રાઠોડ અને 16 બ્રોકર સહિત 23 સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ હતી.આ બનાવની તપાસ માટે જેતપુર સીટી પીઆઈ એ.ડી.પરમાર સહિત 10 સભ્યોની સીટની ટીમની રચના કરાઈ છે. આ દરોડામાં ઝડપાયેલ મોબાઈલની પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી દલસુખ સીંધવ પાસેથી મળી આવેલ મોબાઈલનું સીમકાર્ડ વઢવાણના રામપરાના પ્રતાપભાઈ ગોવિંદભાઈ સીંધવના નામનું હતુ. આથી પોલીસે તેને પત્ર લખી આ અંગે જે હકિકત જાણતા હોય તે જણાવવા બોલાવ્યા હતા. તા. 6-9ના રોજ પ્રતાપભાઈ તપાસ અધીકારી સમક્ષ જતા તેઓને મોબાઈલ નંબરનું સીએએફ ફોર્મ બતાવાયુ હતુ. જેમાં નામ પ્રતાપભાઈનું હતુ પરંતુ ફોટો અને સીગ્નેચર અન્ય વ્યકિતઓની હતી. પ્રતાપભાઈ આરોપીઓને ઓળખતા ન હોવાનું પણ જણાવ્યુ હતુ. આ સીમકાર્ડ સુરેન્દ્રનગરની તાલુકા સ્કુલ પાસે આવેલ પાર્થ કોમ્યુનીકેશનમાંથી પ્રતાપભાઈનું ચૂંટણી કાર્ડ રજુ કરીને લેવાયુ હતુ. આથી પોલીસે આરોપી દલસુખ સીંધવની તપાસ કરતા આ મોબાઈલ સીમકાર્ડ સાથે તેને સંજય રાઠોડે આપ્યો હોવાનું સામે આવ્યુ હતુ. આથી સીટના સભ્ય એએસઆઈ આર.એચ.કરમુરે સંજય રાઠોડ, દલસુખ સીંધવ, સીમકાર્ડ કાઢી આપનાર એજન્ટ અને તપાસમાં ખુલે તે તમામ સામે તા. 9ના રોજ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ અંગે વધુ તપાસ આર.એમ.સંગાડા ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward