android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: પૂ.સ્વામીજીની 35મી પુણ્યતિથિ નિમિત્તે બે દિવસીય ભક્તિપર્વ મહોત્સવ ઉજવાશે
calendar_today September 9, 2026

Vadodara: પૂ.સ્વામીજીની 35મી પુણ્યતિથિ નિમિત્તે બે દિવસીય ભક્તિપર્વ મહોત્સવ ઉજવાશે

સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણી અમાસ અને પૂ.સ્વામીજીની 35મી પુણ્યતિથિ નિમિત્તે આવતીકાલથી બે દિવસ ભવ્ય ભક્તિ પર્વ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તડામાર તૈયારી ચાલી રહી છે.નાથ સંપ્રદાયના નવ નાથ પૈકીના એક પ.પૂ.ગેબીનાથ દાદાના પ્રતિરૂપ તથા સ્વામીજી સાવલીવાળા તરીકે વિશ્વવિખ્યાત સંત શિરોમણિ સ્વામીજીની શ્રાવણી અમાસે 35મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ બે દિવસીય ભક્તિ પર્વ મહોત્સવ યોજાશે. મહોત્સવને અનુલક્ષીને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભીમનાથ મહાદેવ મંદિર પરિસરને રોશનીથી કલાત્મક રીતે શણગારાયું છે. સ્વામીજીનું સમાધિ મંદિર, ગેબીનાથ દાદાનું સમાધિ મંદિર, શિવાલયનું ગર્ભગૃહ તથા સ્વામીજીની પાવન બેઠકને વિવિધ રંગબેરંગી પુષ્પોથી નયનરમ્ય રીતે સુશોભિત કરાઈ રહી છે. પ્રારંભ આવતીકાલે તા.10ના ગુરુવારે સવારે 8:30 કલાકે સ્વામીજી દ્વારા નિર્માણ પામેલા યંત્ર આધારિત શ્રી સાચી અંબા માતાજીના મંદિરે વિદ્વાન ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે નવચંડી યાગથી કરાશે. જેમાં સાંજે 5:00 કલાકે શ્રીફ્ળ હોમાશે. વર્ષોની પરંપરા મુજબ પરમ પૂજ્ય સ્વામીજીની પાવન પાદુકાની ભવ્ય શોભાયાત્રા બપોરે 2:00 કલાકે જમનોત્રી બંગલેથી ધામધૂમપૂર્વક પ્રસ્થાન કરશે. શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સંધ્યા આરતી સમયે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચશે. તા.11ના શુક્રવારે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સવારે 3:30 કલાકે પ્રહર પૂજા, સવારે 5:00 કલાકે પ્રાતઃ આરતી, 7:00 કલાકે શહનાઈ વાદન સાથે સંગીત પ્રચારિણી સભાના વિશાળ રંગમંચ ઉપર સવારે 7:00થી સાંજે 7:00 કલાક સુધી વડોદરાના પ્રસિદ્ધ કલાકારો દ્વારા ૐ નમઃ શિવાય મંત્રની અખંડ ધૂનનું ગાન કરાશે. સવારે 8:30 કલાકે ડાકોરથી પધારેલા અતિ વિદ્વાન ભૂદેવોના હસ્તે લઘુરુદ્ર યાગનો પ્રારંભ કરાશે, બપોરે 2:00 કલાકે શ્રીફ્ળ હોમાશે. શ્રી કેદારેશ્વર ભવન ખાતે પધારનાર તમામ ભક્તજનો માટે બપોરે 12:00 કલાકથી મહાપ્રસાદી યોજાશે. ભક્તિ પર્વ મહોત્સવના સમાપન સ્વરૂપે સાંજે 7:00 કલાકે સંધ્યા મહા આરતી યોજાશે. ત્યારબાદ રાત્રે 8:30 કલાકે પ્રસિદ્ધ ગાયક અશ્વિનભાઈ પાઠકના મધુર સ્વરે સુંદરકાંડના પાઠનું પારાયણ કરાશે. મંદિર પરિસરમાં મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડે તેવી શક્યતા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: જંગલ જમીન મુદ્દે સુરત જિલ્લાના માંડવી ખાતે મહત્વની બેઠક યોજાઇ
calendar_today September 9, 2026

Narmada: જંગલ જમીન મુદ્દે સુરત જિલ્લાના માંડવી ખાતે મહત્વની બેઠક યોજાઇ

સાગબારા તાલુકામાં છેલ્લા એક માસથી ખોપી, હલ ગામ, પાડી, નાલ સહિતના બાર ગામના આદિવાસી ખેડૂતો જંગલ જમીનના મુદ્દે સંઘર્ષ કરી રહ્યા છે. ખેડૂતો દ્વારા ધરણાં-પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજી જંગલ જમીનનો હક મેળવવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે. આ મુદ્દે હજુ પણ ખેડૂતો અને જંગલ વિભાગના કર્મચારીઓ વચ્ચે તણાવની સ્થિતિ યથાવત હોવાનું જાણવા મળે છે.આ સમગ્ર મામલે સુરત જિલ્લાના માંડવી સર્કિટ હાઉસ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સાગબારા તાલુકાના મહિલા આગેવાન લીલાબેન વસાવા, સરપંચો સહિત બાર ગામના આગેવાનો તથા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન સાગબારા તાલુકાના બાર ગામના આદિવાસી ખેડૂતોના જંગલ જમીનના પ્રશ્ન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ખેડૂતોની રજૂઆતો, જંગલ જમીનના હક અને ખેતી સાથે જોડાયેલા પ્રશ્નો અંગે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સમક્ષ મુદ્દાઓ રજૂ કરાયા હતા. સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આદિવાસી ખેડૂતોને જંગલ જમીનનો યોગ્ય હક મળે અને ખેડૂતો જમીન પર ખેતી કરીને પરિવારનું જીવન સુખમય રીતે ચલાવી શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અગાઉ પણ સાંસદ સહિત રાજકીય આગેવાનો ખેડૂતોના ધરણાં સ્થળે પહોંચીને ખેડૂતોને સમર્થન આપી ચૂક્યા છે. સાગબારાના બાર ગામના ખેડૂતોનો જંગલ જમીનનો પ્રશ્ન લાંબા સમયથી ચાલી રહ્યો હોવાથી બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે ખેડૂતોના પ્રશ્નનો કાયમી ઉકેલ ક્યારે આવે છે તેના પર સૌની નજર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahisagar: કડાણા ડેમ ખાતે ફ્લોટિંગ સોલર પ્લાન્ટનું વડાપ્રધાન દ્વારા ખાતમુહૂર્ત
calendar_today September 9, 2026

Mahisagar: કડાણા ડેમ ખાતે ફ્લોટિંગ સોલર પ્લાન્ટનું વડાપ્રધાન દ્વારા ખાતમુહૂર્ત

કડાણા : ગુજરાત સરકારે અગાઉના બજેટમાં કરેલી જાહેરાતને સાકાર કરવાની દિશામાં આજે એક મોટું અને ઐતિહાસિક પગલું ભરાયું છે. મંગળવારે વડોદરા ખાતેથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં રાજ્યના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટનું સત્તાવાર ખાતમુહૂર્ત કરાયું છે.આ સાથે જ મહીસાગર નદીના પાણી પર ગ્રીન એનર્જીના ઉત્પાદનની ક્રાંતિકારી શરૂઆત થઈ ચૂકી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત મહીસાગર જિલ્લાના કડાણા ડેમના બેકવોટરમાં આ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે રૂા.489.20 કરોડનું માતબર બજેટ ફળવાયું છે. આ વિશાળ પ્લાન્ટ 300 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો હશે અને તેની કુલ ક્ષમતા 110 મેગાવોટ રહેશે. પાણીની સપાટી પર તરતી રહેતી અંદાજે 2 લાખ ફ્લોટિંગ સોલાર પેનલ્સ આ પ્રોજેક્ટમાં લગાવાશે, જે પાણીના સ્તરના વધવા કે ઘટવા સાથે આપમેળે પોતાનું સંતુલન જાળવી રાખશે અને ચોમાસાના મજબૂત મોજા કે પૂરની સ્થિતિ સામે પણ સંપૂર્ણ સુરક્ષિત રહેશે.આ પ્લાન્ટ દ્વારા દરરોજ અંદાજે 5 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે, જે રાજ્યના અનેક વિસ્તારોની વીજ જરૂરિયાતો સંતોષશે. ખાસ વાત એ છે કે, પાણીની કુલિંગ ઇફેક્ટના કારણે જમીન પરના પ્લાન્ટ્સની સરખામણીમાં આ પાણી પરના પ્લાન્ટમાંથી 11% વધુ વીજળી ઉત્પન્ન થશે. પર્યાવરણ સંરક્ષણની દ્રષ્ટિએ પણ આ પ્રોજેક્ટ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે વાર્ષિક 4 લાખ ટનથી વધુ કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન અટકાવશે, જે આશરે 50 લાખ વૃક્ષો વાવવાના પર્યાવરણીય લાભ સમાન છે. આ સોલાર પેનલ્સ 100% રિસાઇકેબલ છે.આ મહત્ત્વપૂર્ણ ખાતમુહૂર્ત પ્રસંગે કડાણા GSECL ખાતે સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના હસ્તે થયેલી આ ભવ્ય શરૂઆતથી હવે કડાણા ડેમ ખાતે મહીસાગર નદીના પાણી પર વીજ ઉત્પાદનની નવી યુગલહરી શરૂ થઈ છે, જે ગુજરાતને સ્વચ્છ અને હરિયાળી ઊર્જા પૂરી પાડવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward