નારોલનો મટનગલી રોડ બન્યા બાદ લાઈટ લગાવવા તંત્ર પાસે સમય નથી
તંત્રની બેદરકારી જ્યારે સામાન્ય નાગરિકોનો ભોગ લે છે ત્યારે પણ સત્તાધીશોની આંખ ખુલતી નથી, તેનો જીવતો-જાગતો પુરાવો નારોલ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. નારોલ ઓવરબ્રિજથી નારોલ ગામ તરફ્ જતા મટનગલી માર્ગ પર ગત સપ્ટેમ્બર મહિનામાં સર્જાયેલી ભયાનક દુર્ઘટનાને આજે નવ-નવ માસ વીતી ગયા હોવા છતાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર હજુ પણ ઘોર નિદ્રામાં છે. આ માર્ગ પર સ્ટ્રીટ લાઈટના થાંભલા લગાવવામાં લાઈટ ખાતું સદંતર નિષ્ફ્ળ નીવડયું છે.મહત્વનું છે કે ગત સપ્ટેમ્બર માસમાં આ જ માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા. રોડ પરના ખાડામાં વીજ કરંટ ઉતરતા રાજન અને અંકિતા નામના એક નિર્દોષ યુવા નવદંપતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આટલી મોટી અને હૃદયદ્રાવક ઘટના બાદ આખા શહેરમાં હોબાળો મચ્યો હતો, પરંતુ લાંભા વોર્ડના આ આશરે બે કિલોમીટર લાંબા માર્ગ પર તંત્રની આળસ ઉડીને આંખે વળગે તેવી છે. મહત્વનું છે કે અસાઢી દસ્તક સાથે જ અમદાવાદમાં ગમે ત્યારે ચોમાસું બેસી શકે તેમ છે. ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે નિંભર તંત્ર જાણે હજુ પણ આ રોડ પર કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લેવા માંગતું હોય તેમ આળસમાં રાચી રહ્યું છે. રાતના સમયે આ બે કિલોમીટરનો આખો માર્ગ અંધકારમાં ગરકાવ થઈ જાય છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં સતત અકસ્માત અને ફરી વીજ કરંટ લાગવાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક રહીશોએ આ મામલે ઓનલાઈન કંટ્રોલ રૂમમાં પણ ફરીયાદો નોંધાવી છે, પરંતુ તંત્રના બહેરા કાન સુધી આ અવાજ પહોંચતો નથી. બીજી તરફ્, જનતાના મત લઈને બેઠેલા લાંભા વોર્ડના સ્થાનિક નગરસેવકો પણ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે. જ્યારે સ્થાનિકો આ અંગે રજૂઆત કરવા જાય છે ત્યારે થાંભલા જલ્દી ઊભા થઈ જશે તેવો ગોળ-ગોળ અને ઉડાઉ જવાબ આપીને વાતને ટાળી દેવામાં આવેછે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward