Patan: પાટણ જિલ્લામાં ધો. 10-12ની પૂરક પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ
પાટણ જિલ્લામાં ગુરૂવારથી ધોરણ 10 અને 12 ની પુરક પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થવા પામ્યો હતો. જેને લઈ શિક્ષણતંત્ર દ્વારા પણ કંટ્રોલ રૂમ કાર્યરત કરીને પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ્ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ વગર પરીક્ષા સંપન્ન થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12 ની પુરક પરીક્ષામાં કુલ 3515 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેનો પ્રારંભ ગઈકાલે ગુરૂવારે થયો છે. પરીક્ષાના સંચાલન માટે પાટણમાં કે.કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓનું ચેકીંગ કરીને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો. આયોજિત પરીક્ષામાં ધોરણ 10 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નાપાસ થયેલા અથવા ગુણ સુધારવા માંગતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ધોરણ 10 ની પરીક્ષા માટે પાટણ જિલ્લામાં કુલ 10 બિલ્ડિંગોના 85 બ્લોકમાં 2430 વિદ્યાર્થીઓ તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટેના બે બિલ્ડિંગોના 22 બ્લોકમાં 404 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટેના 3 બિલ્ડિંગોના 24 બ્લોકમાં 681 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ જિલ્લામાં ત્રણેય પ્રવાહના મળીને કુલ 15 બિલ્ડિંગોના 131 બ્લોકમાં 3515 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમના પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward