પ્લાસ્ટિક બન્યું પર્યાવરણનું સૌથી મોટું દુશ્મન 'નો પ્લાસ્ટિક ઝુંબેશ' વધુ ઉગ્ર બનાવવી જરૂરી
એક વખત માનવજીવનને સરળ બનાવનાર પ્લાસ્ટિક આજે સમગ્ર વિશ્વ માટે પર્યાવરણીય સંકટનું કારણ બની ગયું છે. દરિયા, નદીઓ, જંગલો, ખેતીની જમીન અને શહેરોના કચરાના ઢગલાઓમાં પ્લાસ્ટિકનો વધતો જથ્થો કુદરત માટે ગંભીર ખતરો બની રહ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો પ્લાસ્ટિકના વપરાશ પર નિયંત્રણ નહીં લાવવામાં આવે તો આગામી દાયકાઓમાં પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય અને જૈવવિવિધતા પર તેની વિનાશક અસર જોવા મળશે.પ્લાસ્ટિકની સૌથી મોટી સમસ્યા એ છે કે તે કુદરતી રીતે ઝડપથી નષ્ટ થતું નથી. એક પ્લાસ્ટિકની બોટલને સંપૂર્ણપણે વિઘટિત થવામાં સેંકડો વર્ષ લાગી શકે છે. પ્લાસ્ટિકના કચરાથી જમીનની ફ્ળદ્રુપતા ઘટે છે, ગટરો અને ડ્રેનેજ સિસ્ટમો ચોખ્ખી રહેતી નથી, નદીઓ અને તળાવો પ્રદૂષિત થાય છે, પશુઓ અને પક્ષીઓના જીવ જોખમમાં પડે છે, દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થાય છે, માઇક્રોપ્લાસ્ટિક ખોરાક અને પાણી દ્વારા માનવ શરીરમાં પ્રવેશે છે. ગુજરાતનો લાંબો દરિયાકિનારો, ઔદ્યોગિક વિકાસ અને ઝડપી શહેરીકરણ પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. સાબરમતી, નર્મદા, તાપી જેવી નદીઓ તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્લાસ્ટિક કચરો પર્યાવરણ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. પર્યાવરણવિદોના મતે પ્લાસ્ટિકના કારણે માત્ર કુદરત જ નહીં પરંતુ પર્યટન, માછીમારી અને કૃષિ ક્ષેત્રને પણ અસર થઈ રહી છે. વિશ્વ પર્યાવરણ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી. તે પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવવાનો સંકલ્પ લેવાનો દિવસ છે. સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવો જોઇએ. પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ કરવો, કપડાની અથવા જૂટની થેલીનો ઉપયોગ કરવો, ડિસ્પોઝેબલ કપ, પ્લેટ અને ચમચીના ઉપયોગમાં ઘટાડો કરવો જરૂરી છે. ઘરેથી જ ભીનો અને સૂકો કચરો અલગ કરવાથી રિસાયક્લિંગ સરળ બને છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward