android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkantha News: પોશીના અને વડાલીમાં મિની વાવાઝોડા સાથે ભારે પવન સાથે વરસાદ
calendar_today May 30, 2026

Sabarkantha News: પોશીના અને વડાલીમાં મિની વાવાઝોડા સાથે ભારે પવન સાથે વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. જિલ્લાના સરહદી એવા પોશીના પંથકમાં મોડી સાંજે મિની વાવાઝોડું ત્રાટક્યું હતું. પોશીના, વડાલી, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા અને કમોસમી વરસાદની સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ મિની વાવાઝોડાની તીવ્રતા એટલી વધારે હતી કે, પોશીનામાં મોટા વૃક્ષો અને હોર્ડિંગ્સ-બેનરો રસ્તા પર ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહારને વ્યાપક અસર પહોંચી છે અને સમગ્ર પંથકના સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.સરહદી પંથકમાં મિની વાવાઝોડાની ધમાકેદાર એન્ટ્રી સાબરકાંઠા જિલ્લાના પોશીના અને તેની આસપાસના વિસ્તારોમાં અચાનક જ કાળઝાળ ગરમી વચ્ચે પવનની ગતિ તેજ થઈ ગઈ હતી અને જોતજોતામાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું. પોશીના ઉપરાંત લાંબડીયા, કોટડા અને દેલવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને કલાકના ગણતરીના કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાનું શરૂ થયું હતું. ખાસ કરીને રાજસ્થાન બોર્ડર નજીક આવેલા વિસ્તારોમાં આ વાવાઝોડાની વ્યાપક અને પ્રચંડ અસર જોવા મળી હતી. વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદથી નાગરિકો ચિંતામાં ભારે પવન ફૂંકાયા બાદ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વડાલી, ખેડબ્રહ્મા તેમજ પોશીના પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. કેટલાક વિસ્તારોમાં ભારે પવનને કારણે વરસાદી છાંટા પડ્યા હતા, તો કેટલાક સ્થળે તેજ વરસાદી ઝાપટું તૂટી પડ્યું હતું. ઉનાળાની સિઝનના અંતમાં અને ચોમાસા પૂર્વેના આ અણધાર્યા વાતાવરણના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ચિંતાની લહેરો દોડી ગઈ છે. મોટા વૃક્ષો અને બેનરો ધરાશાયી વાવાઝોડાની થપાટોને કારણે પોશીના હાઈવે અને આંતરિક માર્ગો પર આવેલા વર્ષો જૂના મોટા વૃક્ષો મૂળમાંથી ઉખડીને રસ્તા પર જ ધરાશાયી થઈ ગયા હતા. આ ઉપરાંત બજારો અને ચાર રસ્તાઓ પર લગાવેલા મોટા રાજકીય અને વ્યાપારી બેનરો-હોર્ડિંગ્સ પણ કાગળની જેમ ઉડીને નીચે ખાબક્યા હતા. રસ્તા પર વૃક્ષો પડવાને કારણે વાહનોની અવરજવર થંભી ગઈ હતી અને તંત્ર દ્વારા તેને હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે. લોકો ઘરની અંદર કેદ: વીજ પુરવઠો ખોરવાયો આકાશી વીજળીના પ્રચંડ અવાજો અને વાવાઝોડાના રૌદ્ર સ્વરૂપને જોઈને સમગ્ર પંથકના લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો જીવ બચાવવા સુરક્ષિત સ્થળો કે ઘરોની અંદર કેદ થઈ ગયા હતા. તકેદારીના ભાગરૂપે અને ભારે પવનના કારણે લાઈનોમાં સર્જાયેલી ક્ષતિને પગલે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ગુલ થઈ ગયો હતો. મોડે સુધી પંથકમાં અંધારપટ્ટ અને પવનનો સિલસિલો યથાવત રહ્યો હતો. આ પણ વાંચો - વાંચો 31 મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

Read Full Story arrow_forward
Uttar Pradesh : ગાઝિયાબાદમાં નેશનલ પેરા એથ્લીટ ચિરાગ ત્યાગીનો મૃતદેહ મળ્યો, તપાસમાં લાગી પોલીસ
calendar_today May 30, 2026

Uttar Pradesh : ગાઝિયાબાદમાં નેશનલ પેરા એથ્લીટ ચિરાગ ત્યાગીનો મૃતદેહ મળ્યો, તપાસમાં લાગી પોલીસ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં દેશના ઉભરતા પેરા એથ્લીટ ચિરાગ ત્યાગીનો મૃતદેહ મળી આવતા રમતજગત અને સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસને બપોર દરમિયાન ઘટનાની જાણ થઈ હતી, ત્યારબાદ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતદેહ સાઈ ઉપવન વિસ્તારમાંથી મળી આવ્યો મળતી માહિતી અનુસાર, ચિરાગ ત્યાગીનો મૃતદેહ ગાઝિયાબાદના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા સાઈ ઉપવન વિસ્તારમાંથી મળી આવ્યો હતો. ચિરાગ દિલ્હીની એક હોસ્ટેલમાં રહેતા હતા અને સવારે પોતાના વતન બસંતપુર સૈંથલી, મુરાદનગર જવા માટે નીકળ્યા હતા. જોકે તેઓ ઘરે પહોંચ્યા નહોતા, ત્યારબાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ચિરાગની પીઠ પર એક શંકાસ્પદ છિદ્ર જોવા મળ્યું પોલીસના જણાવ્યા મુજબ ચિરાગની પીઠ પર એક શંકાસ્પદ છિદ્ર જોવા મળ્યું છે. આ ઈજા ગોળી વાગવાથી થઈ છે કે અન્ય કોઈ હથિયારના કારણે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને પરિવારને ઘટનાની જાણ કરી દેવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસે CCTV ફૂટેજના આધારે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો ચિરાગ ત્યાગી દેશના પ્રતિભાશાળી પેરા એથ્લીટ તરીકે ઓળખાતા હતા. તાજેતરમાં બેંગલુરુમાં યોજાયેલી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં તેમણે 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીત સાથે તેમણે પેરા એશિયન ગેમ્સ માટે પણ ક્વોલિફાય કર્યું હતું. ચિરાગની અચાનક અને શંકાસ્પદ પરિસ્થિતિમાં થયેલી મૃત્યુએ રમતજગતમાં ચિંતા અને શોકનું વાતાવરણ સર્જ્યું છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના આધારે જ ઘટનાની હકીકત સામે આવશે. આ પણ વાંચો : Delhi Building Collapsed : મહરોલીમાં 5 માળની ઈમારત ધરાશાયી, કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા

Read Full Story arrow_forward
Gandhinagar News: કાયદા વિભાગમાં 18 અધિકારીઓને પ્રમોશન સાથે બદલી
calendar_today May 30, 2026

Gandhinagar News: કાયદા વિભાગમાં 18 અધિકારીઓને પ્રમોશન સાથે બદલી

ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા સચિવાલય પ્રશાસન સ્તરે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર અધિસૂચના અનુસાર, સચિવાલય સેવાના વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 18 સેક્શન અધિકારીઓને (કાયદાકીય બાજુ) ઉપ સચિવ વર્ગ-1 સંવર્ગમાં હંગામી ધોરણે ઈન-સીટુ બઢતી (પ્રમોશન) આપવામાં આવી છે. આ આદેશો અંતર્ગત અધિકારીઓના પગાર ધોરણમાં પણ મોટો ફેરફાર થશે, જેમાં તેઓને પે મેટ્રીક્સ લેવલ-8 (રૂ. 44,900-1,42,400) માંથી હવે પે મેટ્રિક્સ લેવલ-10 (રૂ. 56,100-1,77,500/-) નું નવું પગાર ધોરણ મળવાપાત્ર થશે .હાલની જગ્યાઓને જ ઉપ સચિવ સંવર્ગમાં અપગ્રેડ કરાઈ સરકારના હુકમ અનુસાર, બઢતી મેળવનાર તમામ 18 અધિકારીઓને હાલ પૂરતી તેઓની વર્તમાન સેક્શન અધિકારીની જગ્યાએ જ કામગીરી બજાવવા માટે નિમણૂક આપવામાં આવી છે . આ અધિકારીઓ જ્યાં સુધી પોતાની હાલની જગ્યાએ કામગીરી બજાવશે, ત્યાં સુધી તે જગ્યાઓને ઉપ સચિવ સંવર્ગમાં અપગ્રેડ થયેલી ગણવામાં આવશે . ત્યારબાદ જ્યારે આ અધિકારીઓની ઉપ સચિવની જગ્યાએ વિગતવાર નિમણૂકના હુકમો થશે અને તેઓ નવી જગ્યાએ હાજર થશે, ત્યારથી આ જગ્યાઓ ફરીથી સેક્શન અધિકારી સંવર્ગમાં ડાઉનગ્રેડ થઈ જશે . આ તમામ અધિકારીઓની વિગતવાર નિમણૂકના હુકમો હવે પછીથી અલગથી જાહેર કરવામાં આવશે . બઢતી મેળવનાર 18 અધિકારીઓની યાદી કાયદા વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ મુજબ પ્રમોશન મેળવનાર અધિકારીઓ અને તેમની કચેરીઓની વિગત નીચે મુજબ છે : યુ. બી. દેસાઇ - સરકારી વકીલશ્રીની કચેરી, કાયદા વિભાગ જે. એસ. ખટાણા - કાયદા વિભાગ એસ. એસ. ખટાણા - વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ કે. પી. દેસાઈ - આર્બીટ્રેશન ટ્રીબ્યુનલ, કાયદા વિભાગ પી. કે. બારોટ - કાયદા વિભાગ બી. ડી. પરમાર - કાયદા વિભાગ એ. .બી. રાદડીયા - કાયદા વિભાગ (ઓર્ડર ટુ વર્ક: વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ) એન. એચ. રાવલ - કાયદા વિભાગ કે. વી. સારગાણી - કાયદા વિભાગ (ઓર્ડર ટુ વર્ક: ગૃહ વિભાગ) એમ. ટી. દેસાઈ - કાયદા વિભાગ ટી. વાય. રાધનપુરા - વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ એસ. એસ. પ્રજાપતિ - ગૃહ વિભાગ જે. એમ. પરમાર - કાયદા વિભાગ આર. બી. કંથારીયા - વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ વી. આર. પંચાલ - વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ વી. બી. નાગર - કાયદા વિભાગ (ઓર્ડર ટુ વર્ક: ગૃહ વિભાગ) એમ. એલ. મોડીયા - કાયદા વિભાગ એચ. બી. પટેલ - ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલ, કાયદા વિભાગ રાજ્યપાલના હુકમથી સત્તાવાર નોટિફિકેશન જાહેર આ સમગ્ર વહીવટી પ્રક્રિયા ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે કાયદા વિભાગના ઇન્ચાર્જ ઉપ સચિવ (મહેકમ) સી. વી.બ્રહ્મભટ્ટ દ્વારા સત્તાવાર અધિસૂચના (નોટિફિકેશન) મારફતે જાહેર કરવામાં આવી છે . આ આદેશની નકલ સચિવાલયના તમામ સંબંધિત ઉચ્ચ અધિકારીઓ, મુખ્યમંત્રીની કચેરી તેમજ પગાર અને હિસાબી અધિકારીને આગળની જરૂરી કાર્યવાહી અર્થે રવાના કરી દેવામાં આવી છે. આ પણ વાંચો - વાંચો 31 મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

Read Full Story arrow_forward